સલમાન ખાનને ધમકી આપનારો જોધપુરથી પકડાયો, જાણો કોણ છે આરોપી?

છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પણ જેલમાંથી સલમાન ખાનને ધમકી આપી હતી. ત્યારે હવે પોલીસે ઈમેલથી મારી નાંખવાની ધમકી આપનારા એક વ્યક્તિની જોધપુરથી ધરપકડ કરી છે. સલમાન ખાનને શિકાર કેસમાં સતત બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી રહી છે ત્યારે હવે પોલીસે કાર્યવાહી કરી છે.
સામે આવી રહેલી વિગતો અનુસાર, સલમાન ખાન અને સિદ્ધુ મુસેવાલાના પિતા બન્નેને ધમકી આપનારો આ એક જ આરોપી છે. પોલીસે આરોપીને રાજસ્થાનના જોધપુરના લુની પોલીસ સ્ટેશનથી મુંબઈ પોલીસને સોંપી દેવાયો છે. સલમાન ખાન સાથે આરોપીએ હત્યા કરાયેલા પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહને પણ ઈમેલથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, સલમાન ખાનને ધમકી આપવા મુદ્દે કેસ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ત્યારબાદ મુંબઈ પોલીસ સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારીને આરોપીને શોધી રહી હતી. રવિવારે જોધપુર પહોંચેલી મુંબઈ પોલીસે જોધપુરના લુની પોલીસ સ્ટેશનની મદદથી ધમકી આપનારા 21 વર્ષીય આરોપી ધાકડ રામની ધરપકડ કરી હતી.
બીજી તરફ સામે આવી રહેલી વિગતો અનુસાર, ધરપકડ કરાયેલા આરોપી ધાકડ રામ વિરુદ્ધ જોધપુરના સરદારપુરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અંતર્ગત કેસ નોંધાયેલો છે. હાલ મુંબઈ પોલીસ આરોપી ધાકડ રામને પોતાની સાથે લઈ ગઈ છે. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
