આ અઠવાડિયુ ગરમીથી રાહત રહેશે, જાણો શું કહ્યું હવામાન વિભાગે?
હાલ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ગરમીનો માહોલ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે ગરમીથી રાહત જોવા મળી છે. જો કે હવે હવામાન વિભાગે આ અઠવાડીયુ ગરમીથી રાહત મળવાના સમાચાર આપ્યા છે.
ધીરે ધીરે ઉનાળો જામી રહ્યો છે ત્યારે તાપમાન વધવાની સંભાવના વચ્ચે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. પારો 40 ડિગ્રીને પાર જઈ રહ્યો હતો ત્યારે વરસાદ અને ભારે પવનને કારણે હિટવેવથી રાહત મળી છે.

હાલમાં જ હવામાન વિભાગે તેના લેટેસ્ટ બુલેટિનમાં જણાવ્યુ છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી હીટવેવની કોઈ શક્યતા નથી. આ ઉપરાંત શુક્રવારથી દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં હળવા વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, એપ્રિલની શરૂઆતમાં હવામાન વિભાગે જણાવ્યુ હતું કે એપ્રિલથી જૂન સુધી તમામ મહિનાઓમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. આંકડા પર નજર કરીએ તો, રવિવારે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાન 36 થી 39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયુ હતું. જ્યારે દેશના બાકીના ભાગોમાં મહત્તમ તાપમાન 30 થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.
હવામાન વિભાગે બુલેટિનમાં જણાવ્યુ કે, હિમાલયના પશ્ચિમ વિસ્તારમાં બુધવારથી અને ઉત્તર પશ્ચિમના મેદાનોમાં શુક્રવારથી વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મંગળવારથી ગુરુવાર સુધી મધ્ય પ્રદેશ, તેલંગાણા અને મધ્ય મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વાવાઝોડાની શક્યતા છે. દક્ષિણમાં તમિલનાડુ અને કેરળમાં પણ આગામી ત્રણ-ચાર દિવસ સારો વરસાદ જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
