INDIA ગઠબંધનને મોટો ઝટકો, અલગ થઈ આ મોટી પાર્ટી, કહ્યુ - અમે એકલા ચૂંટણી લડીશુ...
Mamata Banerjee news: 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના 'વિજય રથ'ને રોકવા માટે રચાયેલા વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'ને ચૂંટણી પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે તેઓ પશ્ચિમ બંગાળમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. હવે ટીએમસી પશ્ચિમ બંગાળની તમામ લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે.
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે વારંવારની વાતચીત છતાં સીટ વહેંચણીના મુદ્દે ઈન્ડિયા બ્લૉકની મુખ્ય પાર્ટી કોંગ્રેસનું વલણ સ્પષ્ટ નથી. એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, 'મેં કોંગ્રેસ સમક્ષ સીટ વહેંચણીના મુદ્દે જે પણ પ્રસ્તાવ મૂક્યો, તેમણે કોઈ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. તેથી અમે નક્કી કર્યું છે કે અમે પશ્ચિમ બંગાળમાં એકલા ચૂંટણી લડીશું.

તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને મમતા બેનર્જી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું હતું કે તે એક તકવાદી છે અને કોંગ્રેસ તેમની મદદ વગર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડશે. આ પછી મમતા બેનર્જીએ પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે એવું લાગે છે કે રાહુલ ગાંધીના સમાધાનના પ્રસ્તાવની કોંગ્રેસ નેતાઓ પર કોઈ અસર થઈ નથી.
મમતા બેનર્જીએ એવો પણ દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં તેમની ભારત જોડો ન્યાય યાત્રા ક્યારે યોજાશે તે અંગે કોંગ્રેસ પાર્ટીએ તેમને જાણ પણ કરી નથી. મમતાએ કહ્યું કે કમસે કમ શિષ્ટાચાર ખાતર તેમણે મને જણાવવું જોઈતું હતું કે તેઓ બંગાળમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢવા જઈ રહ્યા છે. મમતા બેનર્જીની અલગ થવાની જાહેરાતથી ફરી એકવાર વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની તિરાડ સામે આવી છે.












Click it and Unblock the Notifications
