
Uttarakhand Election: ભાજપ જાદુઈ આંકડાને પાર, પણ CM ઉમેદવાર ધામી પાછળ
ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે. શરૂઆતી ટ્રેન્ડ્સનું માનીએ તો ભાજપ ઉત્તરાખંડમાં ફરીથી સરકાર બનાવવા જઈ રહી છે. અર્લી ટ્રેન્ડ્સ મુજબ ઉત્તરાખંડમાં ભાજપ 33 સીટ પર આગળ છે.
ચૂંટણી પંચની વેબસાઈટ પર સવારે 10.20 વાગ્યા સુધીમાં ઉપલબ્ધ ડેટા મુજબ 56 સીટ વાળી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 33 સીટ પર આગળ છે જ્યારે કોંગ્રેસ 18 સીટ પર આગળ છે, બહુજન સમાજ પાર્ટી 2 સીટ પર આગળ છે, જ્યારે ઉત્તરાખંડ જનએકતા પાર્ટી અને એક અપક્ષ ઉમેદવાર 1-1 સીટ પર આગળ છે.
વોટ શેરની બાબતે ભાજપ 43.66 ટકા વોટ શેર સાથે સૌથી મોટો પક્ષ બની ગયો છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ 39.18 ટકા વોટ સાથે મુખ્ય વિપક્ષની ભૂમિકા ભજવી શકે તેમ છે. આજે સવારે 10.20 વાગ્યે ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા પરથી આ તારણ કાઢવામાં આવ્યું છે. 0.75 ટકા મતદારોએ NOTAને વોટ આપ્યો છે અને આમ આદમી પાર્ટીને 4.31 ટકા વોટ શેર મળ્યો છે.
પોતપોતાની બેઠકો પર પાછળ ચાલી રહેલા અગ્રણીઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હરીશ રાવતનો સમાવેશ થાય ચે જેઓ લાલકુઆમાંથી ભાજપના મોહન સિંહ બિષ્ટથી 2713 મતોથી પાછળ ચાલી રહ્યા છે અને નરેન્દ્ર નગર સીટ પરથી ભાજપના સુબોધ ઉનિયાલ કોંગ્રેસના ઉમેદવાર ગોપાલ રાવતની પાછળ છે. ચૂંટણી પહેલાં ભગવો છોડી કોંગ્રેસનો હાથ થામનાર યશપાલ આર્ય પણ બાજપુરમાં ભાજપના રાકેશ કુમારથી 18587 મતથી પાછળ છે.
ચકરાતામાં કોંગ્રેસના પ્રીતમ સિંહ ભાજપના રામશરણ નૌટિયાલ સામે 1805 મતોથી આગળ હતા. રાજ્યમાં 14 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું જેમાં 65 ટકાથી વધુ મતદારોએ તેમના મત આપ્યા હતા.
શાસક પક્ષ ભાજપ સતત બીજી ટર્મ જીતીને ઉત્તરાખંડના 21 વર્ષના ઈતિહાસને બદલવા ઈચ્છે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 57 સીટ મળી હતી અને કોંગ્રેસને 11 સીટ મળી હતી. ચૂંટણી લડનારા અગ્રણી ઉમેદવારોમાં મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી, તેમના કેબિનેટ સાથીદારો સતપાલ મહારાજ, બંસીધર ભગત, સુબોધ ઉનિયાલ, અરવિંદ પાંડે, ધન સિંહ રાવત અને રેખા આર્ય ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ મદન કૌશિકનો સમાવેશ થાય છે.
જો કે સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે મુખ્યમંત્રી પદના ઉમેદવાર પુષ્કર સિંહ ધામી ખુદ પાછળ ચાલી રહ્યા છે.