મને મત આપો અથવા 5 વર્ષ અફસોસ વ્યક્ત કરજો : રાજ ઠાકરે

વિદર્ભની 10 દિવસની ટૂર દરમિયાન છેલ્લા દિવસે અમરાવતીમાં એક રેલીને સંબોધતા તેમણે મહારાષ્ટ્રની વર્તમાન સરકાર જે મુદ્દાઓનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે તેને લોકો સમક્ષ મૂક્યા હતા. તેમણે જણાવ્યું કે આજે પણ રાજ્યમાં ભ્રષ્ટાચાર, મરાઠીઓની બેરોજગારી, ગૌહત્યા, વાધનો શિકાર વગેરે જેવી સમસ્યાઓ ચાલુ રહી છે. આમ છતાં વર્તમાનની સત્તાધારી પાર્ટીઓએ લોકોને તેમના હાલ પર છોડી દીધા છે. ચૂંટણી સમયે તેઓ નાણાની કોથળીઓ ખુલ્લી મૂકીને મત માટે લોકોને આકર્ષે છે. તમે એમને મત તો આપી દેશો પણ પછી પાંચ વર્ષ સુધી તમારી પાસે માત્ર અફસોસ વ્યક્ત કરવા સિવાય કશું જ નહીં હોય.
રાજ ઠાકરેએ આ સભામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃત્વીરાજ ચૌહાણનો પણ ઉધડો લીધો હતો. તેમણે જણાવ્યું કે "આ માણસને સોનિયા ગાંધીએ પસંદ કરીને મૂક્યો છે. તે તમામ બાબતો માટે પોતે લાચાર છે તેવા ઇન્ટરવ્યૂ આપે છે. આમ કરીને તે મુશ્કેલીઓ વેઠવી જ પડશે તેમ જણાવે છે. જાડી ચામડીના આ માણસને કશી જ અસર થતી નથી."
વિદર્ભના વાધ અભયારણ્ય અંગે રાજ ઠાકરેએ જણાવ્યું કે "અત્યારે જે લોકો શિકારીઓને વાઘ બતાવે છે તે લોકો આવનારા સમયમાં પર્યટકોને વાઘ બતાવશે. મેં રતન ટાટાને તડોબામાં તાજ રિસોર્ટ શરૂ કરવા જણાવ્યું છે."
તેમણે મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં ગાય આશ્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના ભાષણના અંતમાં કહ્યું હતું કે "રાજ ઠાકરે તમારી સામે એક વિકલ્પ સ્વરૂપે ઉભા છે. જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે મૂંઝાશો નહીં. નહીંતર તમને કોઇ નહીં બચાવી શકે."












Click it and Unblock the Notifications
