Tamil Nadu Assembly Election 2026: શું રાત્રે 8 વાગ્યા સુધી મતદાન થશે? થલપતિ વિજયે કેમ કરી આવી માંગ?
Tamil Nadu Assembly Election 2026: અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમ (TVK) ના પ્રમુખ વિજયે મતદાન વ્યવસ્થાને લઈને ચૂંટણી પંચ સમક્ષ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. પ્રથમવાર વિધાનસભા ચૂંટણીમાં પોતાની રાજકીય પરીક્ષા આપી રહેલા વિજયે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખી જણાવ્યું કે, રાજ્યના અનેક વિસ્તારો, ખાસ કરીને ચેન્નાઈ અને અન્ય મોટા શહેરોમાં જાહેર પરિવહન લગભગ ઠપ થઈ ગયું છે.
આના કારણે મોટી સંખ્યામાં મતદારો બસ સ્ટેશનો પર ફસાયેલા છે અને પોતાના મતદાન મથક સુધી પહોંચી શકતા નથી. વિજયે આને માત્ર વહીવટી બેદરકારી નહીં, પરંતુ મતદારોના અધિકાર પર સીધી અસર ગણાવી છે. તેમણે મતદાનનો સમય વધારવા અને તાત્કાલિક વધારાની બસો ચલાવવાની માંગ કરી છે.

વિજયે પોતાના પત્રમાં જણાવ્યું કે તમિલનાડુના ઘણા શહેરોમાં હજારો લોકો બસ ટર્મિનલો પર કલાકોથી રાહ જોઈ રહ્યા છે. આમાં અન્ય રાજ્યો, શહેરો અને વિદેશથી મતદાન કરવા માટે પાછા ફરેલા લોકો પણ સામેલ છે. જોકે, બસો અને અન્ય જાહેર વાહનોની અછતને કારણે તેઓ મતદાન કેન્દ્ર સુધી પહોંચી શકતા નથી. તેમનો આક્ષેપ છે કે ચૂંટણી ફરજ માટે મોટી સંખ્યામાં સરકારી વાહનોનો ઉપયોગ થયો, પણ સામાન્ય મતદારો માટે કોઈ સમાંતર વ્યવસ્થા ન કરાઈ.
TVK પ્રમુખે આ સ્થિતિને ગંભીર ગણાવતા કહ્યું કે, "આ ફક્ત એક સામાન્ય અસુવિધા નથી." તેમણે ઉમેર્યું કે, આ યોજનાની મોટી નિષ્ફળતા છે, જે લોકોના મૌલિક અધિકાર, એટલે કે મતદાનના અધિકારને સીધી અસર કરે છે. વિજયનો આક્ષેપ છે કે રાજ્ય પરિવહન નિગમ અને વહીવટીતંત્રની આ નબળી તૈયારી મોટી સંખ્યામાં મતદારોને મતદાન કરતા અટકાવી શકે છે અને સ્વતંત્ર-નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયાને પણ પ્રભાવિત કરી શકે છે.
વિજયે ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં મતદાનનો સમય સાંજે 6 વાગ્યાથી વધારીને રાત્રે 8 વાગ્યા સુધી કરવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું કે, મોટી સંખ્યામાં લોકો મુસાફરીમાં અટવાયા છે અને ઘણા મતદાન મથકો પર લાંબી કતારો પણ જોવા મળી રહી છે. વિજયના મતે, ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય વધારવાનો અધિકાર છે અને ભૂતકાળમાં પણ આવી પરિસ્થિતિઓમાં આ નિર્ણય લેવાઈ ચૂક્યો છે, જેથી આ વખતે પણ દરેક મતદારને તક મળવી જોઈએ.
પોતાના પત્રમાં વિજયે એમ પણ જણાવ્યું કે, ચૂંટણી પંચે રાજ્ય પરિવહન વિભાગ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને તાત્કાલિક નિર્દેશ આપવા જોઈએ કે વધારાની સરકારી બસો, શટલ સેવાઓ અને અન્ય વાહનો ચલાવવામાં આવે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ સેવાઓનો ઉપયોગ ખાસ કરીને બસ સ્ટેશનો પર ફસાયેલા મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવા માટે થવો જોઈએ. કોઈ પણ નાગરિકને માત્ર વહીવટી બેદરકારીના કારણે મતદાનના અધિકારથી વંચિત રાખવા ન જોઈએ.
વિજયે કેટલાક મતદાન મથકો પર લાંબી કતારોના અહેવાલો અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે માંગ કરી કે ચૂંટણી પંચ એક નિરીક્ષણ અધિકારીની નિમણૂક કરે, જે નિયમિતપણે મતદાન મથકોની મુલાકાત લે અને ખાતરી કરે કે મતદાન પ્રક્રિયા કોઈપણ વિલંબ વિના અને વ્યવસ્થિત રીતે ચાલે. તેમણે ઉમેર્યું કે, નિર્ધારિત સમય મર્યાદા સુધીમાં મતદાન કેન્દ્ર પરિસરમાં પહોંચી ગયેલા મતદારોને કોઈ પણ મુશ્કેલી વિના મતદાન કરવા દેવામાં આવે.
વિજયે ચૂંટણી પંચને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરતા જણાવ્યું કે, તે મતદાનના દિવસે માત્ર મૂક દર્શક બની ન રહે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, મત આપવાનો અધિકાર ભારતીય લોકશાહીનો સૌથી મજબૂત પાયો છે. જો આજે ત્વરિત કાર્યવાહી નહીં કરાય, તો તે માત્ર મતદાનની ટકાવારી જ નહીં, પરંતુ ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ ઘટાડશે.
તમિલનાડુની તમામ 234 વિધાનસભા બેઠકો પર ગુરુવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થઈ રહ્યું છે. હવે સૌની નજર ચૂંટણી પંચના નિર્ણય પર ટકેલી છે કે શું મતદાનનો સમય લંબાવવામાં આવશે કે કેમ.












Click it and Unblock the Notifications
