CBI નો ઝઘડોઃ અસ્થાનાએ મોકલી વર્માના ભ્રષ્ટાચારની યાદી, સીબીઆઈએ કર્યો પોતાના ડાયરેક્ટરનો બચાવ
લાંચરુશ્વત વિવાદમાં જે રીતે સીબીઆઈએ પોતાના જ મોટા અધિકારી સામે એફઆઈઆર નોંધાવી ત્યારબાદ સતત સીબીઆઈની અંદર મતભેદો ચાલી રહ્યા છે અને તમામ અધિકારીઓ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.
લાંચરુશ્વત વિવાદમાં જે રીતે સીબીઆઈએ પોતાના જ મોટા અધિકારી સામે એફઆઈઆર નોંધાવી ત્યારબાદ સતત સીબીઆઈની અંદર મતભેદો ચાલી રહ્યા છે અને તમામ અધિકારીઓ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. સીબીઆઈ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે સીબીઆઈએ લાંચરુશ્વત મામલે એફઆઈઆર નોંધાવી છે અને તેમને મુખ્ય આરોપી બનાવ્યા છે. વળી, રાકેશ અસ્થાનાએ પોતાના ઉપર લાગેલા આરોપોને ફગાવી દેતા સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા પર નિશાન સાધતા તેમને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી છે. પરંતુ આ બધા વચ્ચે સીબીઆઈએ પોતાના ડાયરેક્ટર આલોક વર્માનો બચાવ કર્યો છે.

10 આરોપોની યાદી સોંપી
રાકેશ અસ્થાનાએ કેબિનેટ સેક્રેટરી અને સીવીસીને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા સામે 10 અલગ અલગ મામલાનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. આમાંથી એક મામલો સતીશ સનાનો છે કે જે મોઈન કુરેશી ભ્રષ્ટાચાર મામલા સાથે જોડાયેલો છે. અસ્થાનાએ આરોપ લગાવ્યો છે કે કુરેશીએ 24 ઓગસ્ટના રોજ આલોક વર્માને બે કરોડ રૂપિયાની લાંચ આપી હતી જેથી આ મામલે રાહત મળી શકે. એટલુ જ નહિ અસ્થાનાએ આરોપ લગાવ્યો છે કે આલોક વર્માએ જાણી જોઈને સતીશ સનાની ધરપકડમાં વિલંબ કર્યો હતો.

જાણીજોઈને વિલંબ કરવામાં આવ્યો
અસ્થાનાના ફરિયાદ પત્રને સરકારે સીવીસીને મોકલી દીધુ છે જેનાથી આ મામલાની તપાસ થઈ શકે. તમને જણાવી દઈએ કે ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાના સીબીઆઈના ક્લાસ 2 અધિકારી છે. અસ્થાનાએ આરોપ લગાવ્યો છે કે તેમણે સનાની ધરપકડ માટે 20 સપ્ટેમ્બર 2018 ના રોજ ફાઈલ આગળ વધારી હતી પરંતુ સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માએ આને ડીઓપી પાસે મોકલી દીધી હતી જેમણે આ મામલે પુરાવાની ફાઈલ માંગી હતી. અસ્થાનાએ કહ્યુ કે તેમણે સતીશ સના સામે લુક આઉટ સર્ક્યુલર જારી કર્યુ હતુ જેનાથી તેને દેશમાંથી બહાર જતો રોકી શકાય.

સીબીઆઈએ કર્યો બચાવ
અસ્થાના આરોપો પર સીબીઆઈના પ્રવકતાએ સ્પષ્ટતા આપતા કહ્યુ કે સીબીઆઈ ડાયરેક્ટરને લુકઆઉટ વિશે જાણકારી નહોતી. તેમના પર લાગેલા આરોપ ખોટા છે. સીબીઆઈ તરફથી કહેવામાં આવ્યુ છે કે સતીશ સનાની ધરપકડમાં વિલંબ કરવાનો સીબીઆઈ ડાયરેક્ટર પર લાગેલો આરોપ ખોટો છે. આ આરોપ એટલા માટે લગાવવામાં આવ્યા છે કારણકે અસ્થાના સામે ભ્રષ્ટાચાર મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.












Click it and Unblock the Notifications
