Weather Update: સાઈક્લોન 'મોચા'ના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર, એલર્ટ જાહેર
Weather Update: બંગાળની ખાડીમાં સર્જાયેલુ તોફાન 'મોચા' હવે વધુ તીવ્ર બન્યુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી હતી કે દક્ષિણપૂર્વ બંગાળમાં નીચા દબાણનો વિસ્તાર વિકસી રહ્યો છે, જે વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.
હવામાન વિભાગે કહ્યું કે આ સાયક્લોનિક સરક્યુલેશન આજથી આગામી બે દિવસ સુધી વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. જેના કારણે આગામી 4 દિવસ સુધી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશ સહિત દેશના પૂર્વ ભાગમાં આંધી અને ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આ માટે પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. ભારતીય હવામાન વિભાગના નવીનતમ અપડેટ મુજબ, દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રવિવારે અહીં ફરી વરસાદ થયો હતો, જેના કારણે રાજધાનીમાં ફરી ઠંડક પ્રસરી ગઈ છે. દિલ્હી-એનસીઆરમાં આજે પણ વરસાદની સંભાવના છે.
આજે માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, કેરળ, પશ્ચિમ બંગાળ, યુપી-બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ વરસાદની શક્યતા છે.
ચક્રવાત 'મોચા'ને કારણે, હવામાન વિભાગે 12 મે સુધી ઓડિશા, બંગાળ સહિત ઘણા રાજ્યોમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે અને તેથી તેણે આ બંને રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. અનુમાન મુજબ આ તોફાન ખૂબ જ શક્તિશાળી હશે. તેથી માછીમારોને દરિયામાં જવાથી અટકાવવામાં આવ્યા છે અને જે લોકો દરિયામાં છે તેમને તાત્કાલિક અસરથી પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે.
એડવાઈઝરી મુજબ, તમામ માછીમારોને 8 થી 11 મે સુધી દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બંગાળની ખાડીમાં ચક્રવાત 'મોચા' વધુ તીવ્ર બન્યું છે. લોકોને તેનાથી બચવા માટે સૂચના આપવામાં આવી છે. મોચાની તીવ્રતા લોકો માટે જોખમી બની શકે છે.
મધ્યપ્રદેશના ભોપાલ, સિહોર, બેતુલ, દેવાસ, રતલામ, ઉજ્જૈન, શાજાપુરમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. શ્રીકાકુલમ, વિઝિયાનગરમ, પાર્વતીપુરમ, એએસઆર, અનાકાપલ્લે, એલુરુ, ઉભયા ગોદાવરી, એનટીઆર, ગુંટુર, ક્રિષ્ના, પલનાડુ, પ્રકાશમ, નેલ્લોર, તિરુપતિ, નંદ્યાલા, ચિત્તૂર અને કુડ્ડાપાહ અને અન્નમૈયાના ભાગોમાં ભારે વરસાદની અપેક્ષા છે, તેથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અનુમાન અનુસાર, તોફાન દરમિયાન 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, તેથી હવામાન વિભાગનું કહેવું છે કે આજથી 12 મેની વચ્ચે પ્રવાસીઓને આંદામાન અને નિકોબાર ટાપુઓની નજીક જવાથી રોકવામાં આવે અને સમુદ્ર સંબંધિત કામ ન કરવામાં આવે.












Click it and Unblock the Notifications
