Weather Update: મુંબઈમાં ભારે વરસાદ માટે એલર્ટ, હિમાચલમાં અત્યાર સુધીમાં 108 મોત, અહીં જાણો આજના મોસમના હાલ
Weather Update: સમગ્ર દેશમાં વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત ઘણા રાજ્યો માટે આફત બનીને આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ શુક્રવારે રાત્રે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે યમુના નદીના જળસ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ અને ધુળેમાં આગામી ચાર દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

પ્રાદેશિક હવામાન કેન્દ્ર, મુંબઈ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર, આગામી પાંચ દિવસ સુધી મુંબઈમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. રાયગઢ અને રત્નાગીરીમાં છૂટાછવાયા સ્થળોએ પણ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. મહારાષ્ટ્રના આ જિલ્લાઓને યલો એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
આ દરમિયાન, હિમાચલ પ્રદેશ હજુ પણ છેલ્લા અઠવાડિયાથી મેઘ તાંડવ અને પૂરના કારણે થયેલા મોટા વિનાશમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. IMDએ કહ્યું છે કે હિમાચલમાં 18 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે. હિમાચલમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 108 લોકોના મોત થયા છે.
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં આખી રાત વરસાદને કારણે રસ્તાઓ અને વાહનવ્યવહાર પ્રભાવિત થયા છે. દેહરાદૂનમાં આજે પણ વરસાદ પડશે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઉત્તરીય ભાગોમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદની અસર દિલ્હીમાં પણ જોવા મળશે.
જોકે, હાલમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા જેવા રાજ્યો માટે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી નથી. આ રાજ્યોમાં હજુ સુધી ભારે વરસાદ પડ્યો નથી.












Click it and Unblock the Notifications
