Weather Updates: ઉત્તર ભારતમાં શીત લહેરનો પ્રકોપ યથાવત, અતિ ગાઢ ધૂમ્મસ, કરા અને વરસાદની આગાહી
Weather Updates: દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં છેલ્લા અઠવાડિયાથી તીવ્ર ઠંડી ચાલુ છે. પંજાબમાં કોલ્ડવેવના પ્રકોપના કારણે શાળાઓમાં 14 જાન્યુઆરી સુધી રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે હાલમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીથી કોઈ રાહત નહીં મળે.
IMDના તાજેતરના અપડેટ મુજબ, આગામી બે દિવસ સુધી સમગ્ર ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં રાત્રિ અને સવાર દરમિયાન ગાઢથી અત્યંત ગાઢ ધૂમ્મસ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે (07 જાન્યુઆરી, 2024) ઉત્તર ભારતમાં ઘણા સ્થળોએ ઠંડા દિવસની સ્થિતિ જોવા મળી હતી.

IMDના જણાવ્યા મુજબ, પશ્ચિમ રાજસ્થાન, હરિયાણાના ભાગો અને પંજાબ અને ઉત્તર મધ્ય પ્રદેશના અલગ ભાગોમાં ઠંડા દિવસથી ગંભીર ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તી રહી છે. જ્યારે અગાઉ 6 જાન્યુઆરીની સવારે રાજસ્થાન, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 6થી 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી બે દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢથી અતિ ગાઢ ધૂમ્મસ રહેશે. દિલ્હી એનસીઆરમાં લઘુત્તમ તાપમાન 8.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશ અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાન 10થી 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે યુપી, બિહાર, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના બાકીના ભાગોમાં 13થી 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ઠંડીના કારણે શાળાઓમાં શિયાળુ વેકેશન લંબાવવામાં આવ્યું છે. રાજધાની લખનઉમાં તીવ્ર ઠંડીના કારણે 8માં ધોરણ સુધીની શાળાઓમાં 10 જાન્યુઆરી સુધી રજા રહેશે. 9થી 12 સુધીના વર્ગોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, હવે વર્ગો સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અલીગઢ, અમરોહા, બાગપત, બુલંદશહર, ગૌતમ બુદ્ધ નગર, બિજનૌર, ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, મુરાદાબાદ, મુઝફ્ફરનગર, રામપુર, સહારનપુર, શામલી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ રવિવારે કડકડતી ઠંડી પડી રહી છે.
હવામાન વિભાગના અહેવાલો અનુસાર, હવામાન વિભાગે 8થી 10 જાન્યુઆરી વચ્ચે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં છૂટાછવાયા હળવા વરસાદની પણ આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં કરા અને વરસાદની પણ આગાહી કરી છે.
હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં કરા અને વરસાદની પણ આગાહી કરી છે. જ્યારે પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોને અસર કરશે. 8થી 10 જાન્યુઆરી દરમિયાન ગાજવીજ અને કરા સાથે વરસાદની સંભાવના છે. IMD અનુસાર, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની આગાહી છે.












Click it and Unblock the Notifications
