• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકાર કંઈ નવાજૂની કરવાની તૈયારીમાં છે?

જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકાર કંઈ નવાજૂની કરવાની તૈયારીમાં છે?
By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કઈક નવાજૂની થશે તેવી ચર્ચાઓ ફરતી થઈ છે.

પાંચ ઑગસ્ટ 2019ના રોજ વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો ખતમ કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. તેમાંથી હવે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવા માટેની તૈયારી કેન્દ્રની મોદી સરકાર કરી રહી છે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

ઘણા બધા અખબારી અહેવાલોના આધારે આવો અંદાજ લગાવી શકાય છે. શુક્રવારે સમાચાર સંસ્થા પીટીઆઈએ એક અધિકારીને ટાંકીને ટ્વીટ પણ કર્યું હતું.

https://twitter.com/PTI_News/status/1405919726937665541

પીટીઆઈએ જણાવ્યું છે કે, "જૂન સમાપ્ત થાય તે પહેલાં કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરના બધા જ પ્રાદેશિક પક્ષો સાથે ચર્ચા કરી લેવા માગે છે, જેથી રાજકીય પ્રક્રિયાને આગળ વધારી શકાય. આ પ્રક્રિયામાં કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી કરવાનો મુદ્દો પણ સામેલ છે."

અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસે પીડીપીના અધ્યક્ષા મહબૂબા મુફ્તીને શુક્રવારે એમ કહેતાં ટાંક્યાં હતાં કે નવી દિલ્હીના ટોચના નેતૃત્વ તરફથી તેમને 24 જૂને એક બેઠકમાં સામેલ થવા અંગે ફોન આવ્યો હતો.

જોકે તેમણે જણાવ્યું છે કે મુખ્યધારાની બધા જ રાજકીય પક્ષોને આ બેઠક માટે બોલાવાયા છે ખરા તે અંગે તેમને કશી જાણ નથી.

બીબીસીના સહયોગી પત્રકાર માજિદ જહાંગીરે જણાવ્યું કે મહબૂબા મુફ્તીએ સ્થાનિક અખબારો સાથેની વાતચીતમાં પણ બેઠક યોજાવાની વાતની પુષ્ટિ કરી છે. જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના પ્રવક્તાએ પણ બેઠક માટે તેમને નિમંત્રણ મળ્યું હોવાની વાત જણાવી છે.


શા માટે ચર્ચા?

વિધાનસભા ચૂંટણી કરાવવા માટેની તૈયારી કેન્દ્રની મોદી સરકાર કરી રહી છે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ થઈ તે પછી આશા વ્યક્ત થઈ રહી હતી કે વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ પણ તરત શરૂ થઈ જશે. જોકે ક્યાં સુધીમાં ચૂંટણી યોજાશે તે વિશે શંકાઓ હતી.

પરંતુ હવે બેઠક યોજાઈ રહી છે તેવા સમાચારો પછી એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોનું સીમાંકન વગેરેની ચર્ચાઓ પ્રથમ રાજકીય પક્ષો સાથે કરી લેવા માગે છે.

શ્રીનગરથી માજિદ જહાંગીરે જણાવ્યું કે એક તરફ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય ખામોશી છે તે દૂર કરવાની જરૂર છે અને સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક સંદેશ જશે કે કાશ્મીરમાં સ્થિતિ રાબેતા મુજબ થઈ રહી છે.

તેમનું કહેવું છે કે આ બધી પ્રક્રિયાઓ સ્થાનિક નેતાઓને સાથે રાખીને જ કેન્દ્ર સરકાર કરવા માગે છે. સ્થાનિક પક્ષોના સહયોગ વિના રાજકીય ગતિવિધિઓ આગળ વધારવી શક્ય નથી.

ગયા અઠવાડિયે ગુપકાર ગઠબંધનની બેઠક થઈ હતી અને તે પછી નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે તેઓ કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.

તેમણે જણાવ્યું હતું કે તેઓએ કોઈ દરવાજા બંધ કરીને રાખ્યા નથી. બેઠક માટે આમંત્રણ આપવામાં આવશે ત્યારે વિચારવામાં આવશે.


ગૃહમંત્રીની બેઠક

આ બાજુ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જમ્મુ-કાશ્મીર માટેની ઘણી વિકાસ યોજનાઓ માટેની બેઠક કરી હતી.

તે વખતે તેમણે કહ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશના બધા જ લોકોનો વિકાસ અને કલ્યાણ એ મોદી સરકારની અગ્ર હરોળની પ્રાથમિકતા છે.

આ બેઠકમાં અમિત શાહ ઉપરાંત ગવર્નર મનોજ સિંહા, એનએસએ અજિત ડોભાલ, ગૃહ સચિવ અજય ભલ્લા, આઈબીના વડા અરવિંદ કુમાર, રૉના વડા સમંતકુમાર ગોયલ, સીઆરપીએફના ડિરેક્ટર જનરલ કુલદીપ સિંહ અને જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંહ પણ હાજર હતા.

https://www.youtube.com/watch?v=xyDGWiR01zo

તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે કાશ્મીર માટેની આ કોઈ સામાન્ય બેઠક નહોતી. પાકિસ્તાન વિદેશ મંત્રાલય પણ એવું અનુમાન કરવા લાગ્યું છે કે ભારત સરકાર કાશ્મીરમાં કશુંક નવીન કરવાની તૈયારીમાં છે.

પાંચ ઑગસ્ટ 2019ના રોજ રાજ્યનો વિશેષ દરજ્જો કલમ 370ની નાબુદી સાથે રદ થયો તે પછી ભૂતપૂર્વ ત્રણ મુખ્ય પ્રધાનો સહિત ઘણા નેતાઓને નજરકેદ કરાયા હતા. ધીરેધીરે ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ જમ્મુ-કાશ્મીરના સાત મુખ્ય રાજકીય પક્ષોએ પીપલ્સ એલાયન્સ ફૉર ગુપકાર ડિક્લરેશન (PAGD) તૈયાર કર્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યને ફરીથી વિશેષ દરજ્જો આપવાનો છે.


કાશ્મીરમાં ભારત ફરીથી કશુંક કરી શકે છે: પાકિસ્તાન

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્રસંઘને જાણ કરીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે ભારત કાશ્મીરમાં ફરીથી કશુંક નવીન કરે તેવું લાગે છે.

બુધવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન પણ જાહેર કરાયું હતું કે, ''ભારત કાશ્મીરમાં ફરીથી ગેરકાનૂની અને એક તરફી કોઈ પગલું ભરી શકે છે. ફરીથી વિભાજન અને ત્યાંની વસતિમાં ફેરબદલી માટે કશુંક કરવામાં આવી શકે છે.''

પાકિસ્તાની વિદેશમંત્રી સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના અધ્યક્ષ અને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રીને સંબોધીન એક પત્ર લખ્યો છે. પત્રમાં કુરેશીએ જણાવ્યું છે કે કાશ્મીરીઓને દબાવવા માટે છેલ્લા 22 મહિનાથી ભારત કંઈક ને કંઈક કરી રહ્યું છે. કાશ્મીરમાં માનવઅધિકારોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે.''

જોકે ભારતે હંમેશાં જણાવ્યું છે કે કાશ્મીર તેની આંતરિક બાબત છે અને પાકિસ્તાનને તેના વિશે બોલવાનો કોઈ હક નથી.

કુરેશીએ કહ્યું કે ભારત કાશ્મીરીઓના આત્મનિર્ણયના અધિકારને નબળું પાડી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આ અધિકાર નબળો કરવા માટે ત્યાંની વસતીમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. બહારના લોકોને કાશ્મીરમાં નિવાસી તરીકેના નકલી પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યા છે એમ કુરેશીએ કહ્યું.

કુરેશીએ કહ્યું કે, ''કાશ્મીરમાં 1951થી બધા જ પ્રકારના ગેરકાનૂની અને એક તરફી પગલાં ઉઠાવાયાં છે. તેમાં પાંચ ઑગસ્ટ 2019ના રોજ નિર્ણય લઈને કાશ્મીરનો બંધારણીય દરજ્જો પણ ફેરવી નાખવામાં આવ્યો તેનો પણ સમાવેશ થાય છે.

"જો ભવિષ્યમાં ભારત કાશ્મીરમાં કોઈ એકતરફી ફેરફાર કરે તો તે આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ હશે. તેમાં સલામતી સમિતિના ઠરાવ અને ચતુર્થ જિનેવા કન્વેન્શનનો પણ સમાવેશ થાય છે.''

કુરેશીએ માગણી કરી કે સલામતી સમિતિએ તેના ઠરાવનો અમલ થાય તે માટે પહેલ કરવી જોઈએ. કુરેશીએ કહ્યું કે તેઓ પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો રાખવા માગે છે અને તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. કુરેશીએ કહ્યું કે કાશ્મીરના વિવાદનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવો અનુસાર જ થઈ શકે તેમ છે.

તેમણે કહ્યું કે કાશ્મીર સમસ્યાનું સમાધાન દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે ખૂબ જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના પાકિસ્તાનના પ્રતિનિધિએ કુરેશીનો આ પત્ર મહામંત્રી અને સલામતી સમિતિના અધ્યક્ષને પહોંચાડ્યો છે.

લેખન-મોહમ્મદ શાહિદhttps://www.youtube.com/watch?v=gZpVkvX2HHc&t=1s

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
What is the Modi government preparing to do in Jammu and Kashmir?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X