Mumbai Mayor: કોણ બનશે મુંબઈના નવા મેયર? ભાજપની પ્રચંડ જીત બાદ 5 નામોની થઈ રહી છે ચર્ચા, કોનું પલડું ભારે?
Who will be Mumbai Mayor: BMC ચૂંટણી 2026ના પરિણામોએ મુંબઈના રાજકારણમાં નવો ઈતિહાસ લખી દીધો છે. લગભગ ત્રણ દાયકા બાદ ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાના ગઢમાં ગાબડું પાડીને એશિયાની સૌથી ધનિક મહાનગરપાલિકા પર કબજો મેળવ્યો છે. હવે સૌની નજર મુંબઈના 'પ્રથમ નાગરિક' એટલે કે નવા મેયર કોણ બનશે તેના પર ટકેલી છે.

CM ફડણવીસનો 'હિંદુ-મરાઠી' ફોર્મ્યુલા
ચૂંટણી પ્રચાર દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે મુંબઈનો આગામી મેયર 'હિંદુ અને મરાઠી' હશે. ભાજપ માટે આ માત્ર સૂત્ર નથી પણ એક રણનીતિ છે. પાર્ટી એવું ચહેરો ઈચ્છે છે જે મરાઠી અસ્મિતા અને વહીવટી સમજ વચ્ચે સંતુલન જાળવી શકે.
મેયર પદ માટે આ 5 દાવેદારોની જોરદાર ચર્ચા
- તેજસ્વી ઘોસાળકર: દહિસરથી 10 હજારથી વધુ મતોથી જીત મેળવનાર તેજસ્વી ભાજપનો નવો યુવા ચહેરો છે. જો મહિલા અનામતની સ્થિતિ સર્જાય તો તેમનું નામ સૌથી આગળ છે.
- પ્રકાશ દરેકર: ઉત્તર-પશ્ચિમ મુંબઈમાં મજબૂત મરાઠી વોટબેંક ધરાવતા પ્રકાશ દરેકર અનુભવી નેતા છે. સંગઠન પર તેમની પકડ મજબૂત હોવાથી તેઓ પ્રબળ દાવેદાર મનાય છે.
- પ્રભાકર શિંદે: BMCમાં ભાજપના પૂર્વ જૂથ નેતા રહી ચૂકેલા શિંદે પાલિકાના કામકાજ અને નિયમોના જાણકાર છે. અનુભવને પ્રાધાન્ય મળે તો તેમનું પલ્લું ભારે છે.
- મકરંદ નાર્વેકર: દક્ષિણ મુંબઈના પ્રભાવશાળી નેતા અને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના ભાઈ છે. આધુનિક અને વિકાસલક્ષી છબીને કારણે શિક્ષિત વર્ગમાં તેઓ લોકપ્રિય છે.
- રાજશ્રી શિરવાડકર: પાયાના સ્તરના અને આક્રમક મરાઠી મહિલા નેતા તરીકે તેમની ઓળખ છે. સ્થાનિક મુદ્દાઓ પર તેમની સક્રિયતા તેમને રેસમાં રાખે છે.
74 હજાર કરોડનું બજેટ પણ પગાર મામૂલી!
રસપ્રદ વાત એ છે કે મુંબઈ મેયરનું પદ ખૂબ જ પ્રતિષ્ઠિત છે અને BMCનું બજેટ 74,000 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમ છતાં, મેયરનો માસિક પગાર (માનદ વેતન) ઘણો ઓછો હોય છે. તેમને આશરે 55,000 થી 1 લાખ રૂપિયા સુધીનું માનદ વેતન મળે છે. જોકે, તેમને સરકારી બંગલો, લક્ઝરી કાર અને સ્ટાફ જેવી વીવીઆઈપી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
મેયરની ભૂમિકા કેમ મહત્વની છે?
મુંબઈમાં મેયરનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે. ભલે વહીવટી સત્તા મ્યુનિસિપલ કમિશનર પાસે હોય, પરંતુ મેયર શહેરનો ચહેરો હોય છે. આરોગ્ય, શિક્ષણ, પાણી અને રસ્તાઓ જેવા મહત્વના નીતિગત નિર્ણયો અને સમિતિની બેઠકોમાં મેયરની ભૂમિકા નિર્ણાયક રહે છે.
હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ કયા નામ પર મહોર મારીને મુંબઈના નવા 'મેયર'ની જાહેરાત કરે છે.












Click it and Unblock the Notifications
