Amul vs Nandini : કર્ણાટકમાં અમૂલ દૂધ વેચાશે કે નહીં? જાણો શું કહ્યું મુખ્યમંત્રી બોમ્મઈએ?
કર્ણાટકમાં વિધાનસભાને લઈને રાજનીતિ ચાલી રહી છે ત્યારે હવે બીજી એક બબાલ શરૂ થઈ છે. હાલ કર્ણાટકમાં ડેરી બ્રાન્ડ અમૂલ અને નંદિનીને લઈને વિવાદ છેડાયો છે. એક તરફ કોંગ્રેસ સહિત સ્થાનિક લોકો કર્ણાટકમાં અમૂલની એન્ટ્રીનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે, અમૂલની રાજ્યમાં એન્ટ્રી એક સાજીશ છે અને તમામ વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે. અહીં ડીકે શિવકુમારે કહ્યું કે, નંદિની અમૂલ કરતા સારી બ્રાન્ડ છે.

હવે કર્ણાટકમાં આ મુદ્દે બબાલ વધી રહી છે. હાલ ચર્ચા ચાલી રહી છે કે કર્ણાટકમાં અમૂલ દુધ વેચાશે કે કેમ? હવે આ મુદ્દે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ પણ મેદાનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે, તે રાજ્યમાં અમૂલની એન્ટ્રી નહીં અટકાવે. બીજી તરફ કર્ણાટકના ડેરી ખેડૂતોના હિતો માટે વિપક્ષ કોંગ્રેસ અને JD(S)ના દબાણ છતાં CM બસવરાજ બોમ્મઈએ શનિવારે અમૂલ દૂધ અને દહીંને પ્રવેશતા રોકવાની વાત નકારી છે.
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ કે, નંદિનીની પ્રોડક્ટ્સ અન્ય રાજ્યોમાં પણ વેચાઈ રહી છે. સરકાર નંદિનીને ખુલ્લા બજારમાં અમૂલ સાથે સ્પર્ધા કરવામાં મદદ કરવા પગલાં લેશે પરંતુ તે ગુજરાતની કંપની અમૂલને પ્રદેશમાં મંજૂરી આપશે. તેમણે જણાવ્યું કે, કર્ણાટક મિલ્ક ફેડરેશનની નંદિની બ્રાન્ડ વિશે કોઈ ચિંતા ન હોવી જોઈએ અને રાજ્યમાં અમૂલના પ્રવેશ પર કોઈ રાજકારણ ન હોવું જોઈએ. નંદિની દેશની નંબર વન બ્રાન્ડ બનશે.
બીજી તરફ આ મુદ્દે આરોગ્યમંત્રી સુધાકરે જણાવ્યું કે,, ભાજપ સરકારના સમર્થનથી નંદિની એક મોટી બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે અને 18 અન્ય જાહેર અને ખાનગી ડેરી બ્રાન્ડ્સની સ્પર્ધા હોવા છતાં કર્ણાટકમાં સૌથી લોકપ્રિય દૂધ બ્રાન્ડ છે. તેમણે કોંગ્રેસ પર આ મુદ્દે રાજનીતિ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.
જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ દાવો કર્યો કે, ડેરી કંપની અમૂલ કેન્દ્રના સમર્થનથી પાછલા દરવાજેથી બજારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે. વિરોધ પક્ષોએ અમૂલની રાજ્યમાં દહીં અને દૂધનું વેચાણ કરવાની યોજનાને 10 મેની વિધાનસભાની ચૂંટણી પહેલા એક મુખ્ય રાજકીય મુદ્દો ગણાવ્યો છે. આ સિવાય કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કર્ણાટકના લોકોને અમૂલની બ્રાન્ડ ન ખરીદવા સંકલ્પ લેવાની વાત કરી છે.












Click it and Unblock the Notifications
