જામનગરઃ ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગના 13 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
જામનગરના કુખ્યાત આરોપી અને ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગના 13 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરઃ જામનગરના કુખ્યાત આરોપી અને ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગના 13 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઑફ ટેરરિઝમ એન્ડ ઑર્ગેનાઈઝેશન ક્રાઈમ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જયેશ પટેલ હાલમાં વિદેશ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. તેને પકડવા માટે ગુજરાત એટીએસ અને સ્થાનિક પોલિસ બંને તપાસ કરી રહી છે. જયેશ પટેલની ગેંગના કેટલાક સભ્યોની આ અઠવાડિયામાં ધરપકડ પણ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ભૂમાફિયા જયેશ પટેલ સામે કાર્યવાહી કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દિપેન ભદ્રની જામનગર બદલી કરવામાં આવી હતી. જેમણે ત્વરિત પોલિસ કાર્યવાહી કરીને જયેશ પટેલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલનો ઈતિહાસ ઘણો લાંબો રહ્યો છે. જયેશ પટેલ અને તેના સાગરિતો સામે કરોડોની જમીન હડપવાના કેસ સામે આવ્યા હતા.
આ સિવાય 40થી વધુ કેસો જયેશ પટેલ સામે નોંધાયા છે જેમાં મારામારી, હત્યા શામેલ છે. કીરીટ જોશી નામના વકીલ કે જે તેનો કેસ લડી રહ્યા હતા તેની હત્યામાં પણ જયેશ પટેલનુ નામ ખુલ્યુ છે. તે કેટલાક વર્ષોથી દૂબઈ રહેતો હોવાની માહિતી મળી છે. જામનગરમાં ભૂમાફિયાઓના આતંક સામે હવે પોલિસ કડક કાર્યવાહી કરી રહી છે. જયેશ પટેલના સાગરિતોને પણ એક પછી એક પકડવામાં આવી રહ્યા છે જેમાં એટીએસ સક્રિય ભૂમિકા ભજવી રહી છે.












Click it and Unblock the Notifications
