જામનગરના JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને PMJAY માંથી સસ્પેન્ડ કરવામાં આવી
જામનગરમાં આવેલી JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને રાજ્યના આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) માંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી છે. હોસ્પિટલ સામે PMJAY હેઠળ ગંભીર ગેરરીતિઓ અને ક્ષતિઓ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, જે બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી વિસ્તૃત તપાસમાં JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલી 105 કાર્ડિયાક પ્રોસિજરમાં વ્યાપક અનિયમિતતાઓ મળી આવી હતી. આ ગંભીર ગેરરીતિઓને કારણે હોસ્પિટલને ₹6 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.

વિભાગે સ્પષ્ટતા કરી છે કે PMJAY યોજનાના લાભાર્થી દર્દીઓની સારવારમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. આ મામલામાં સંકળાયેલા ડોક્ટર પાર્શ્વ વ્હોરાને પણ તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, દર્દીઓની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સ્વાસ્થ્ય સેવાઓ અને PMJAY જેવી મહત્વપૂર્ણ યોજનામાં કોઈપણ પ્રકારની ગેરરીતિને સાંખી લેવામાં આવશે નહીં. આવા કિસ્સાઓમાં કડક અને દાખલારૂપ કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓ અને તેમના પરિવારો માટે ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા આ મામલાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
