જામનગરનુ ગૌરવઃ ખીજડીયા બન્યુ બેસ્ટ ટુરિઝમ વિલેજ
Best Tourism Village: ભારત સરકાર દ્વારા જામનગર જિલ્લાના ખીજડીયા ગામને સિલ્વર કેટેગરીમાં બેસ્ટ ટુરિઝમ વિલેજ - 2023નો અવૉર્ડ આપવામાં આવ્યો છે. જામનગર શહેરથી 11 કિલોમીટર દૂર આવેલુ ખીજડીયા ગામ બર્ડ સેન્ચ્યુરી અને રામસર સાઈટનો દરજ્જો ધરાવે છે. દેશના પસંદ કરાયેલા 850 ગામોમાંતી માત્ર 35 ગામોને આ દરજ્જો આપવામાં આવ્યો છે.
ભારત સરકાર દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરાયેલ ગુજરાતના એક માત્ર ખીજડીયા ગામ અને આસપાસના વિસ્તારનો હવે આંતરમાળખાકીય વિકાસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે જામનગર જિલ્લાનુ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય દેશ-વિદેશના પક્ષી પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે.

સર્વે મુજબ ગયા એક વર્ષમાં ખીજડીયામાં 41 હજારથી વધુ પ્રવાસીઓનુ આગમન થયુ હતુ. જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક તેમજ વિદેશી મુલાકાતીઓ પણ હોય છે. જેમાં ખાસ પક્ષી નિરીક્ષકો હોય છે.
ખીજડીયામાં દર શિયાળામાં યુરોપના દેશો, હિમાલય, અફઘાનિસ્તાનથી મહેમાન પક્ષીઓ આવે છે. નવેમ્બરથી ફેબ્રુઆરીની શરુઆત સુધીમાં આ સ્થળે પક્ષી વસ્તી 2.5 લાખ જેટલી થઈ જાય છે. છેલ્લા વર્ષોમાં અહીં કુલ 314 જાતના પક્ષીઓ આવ્યા છે.
આ વિસ્તારના તલાટી મંત્રી પ્રફૂલ્લભાઈ ચૌહાણ અને આરએફઓ દક્ષાબેન વઘાસીયાએ બર્ડ સેન્ચ્યુરીની માહિતી સહિત સમગ્ર વિસ્તારની ભૌગોલિક સ્થિતિ, રહેણાંકો, ખેતીની જમીન, હાઈવે, આંતરિક રસ્તાઓની વિગતો, સુવિધાઓ અને જરુરિયાત સહિત વિગતો એકઠી કરીને કેન્દ્ર સરકારને આપી હતી. આ ઉપરાંત મરીન નેશનલ પાર્ક, તાલુકા વિકાસ અધિકારીની કચેરી અને ગ્રામ્ય એસડીએમ કચેરી દ્વારા ડેટા આપવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ખીજડીયા પક્ષી અભ્યારણ્યને રામસર સાહેબ તરીકે પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. અહીં ખારા પાણી અને મીઠા પાણીના એમ બે તળાવ છે. જેનુ વાતાવરણ પક્ષીઓ માટે અનુકૂળ છે. શિયાળામાં અહીં 300થી વધુ જાતના પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ, પક્ષી પ્રેમીઓ અને વિદેશી પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે.












Click it and Unblock the Notifications
