ગીરના જંગલમાંથી દુર્લભ માંસાહારી વનસ્પતિ મળી આવી!
કહેવાય છે કે આ દુનિયા વિવિધતાથી ભરેલી છે. આવી જ એક વિવિધતાનો પરિચય ગીરના જંગલમાં જોવા મળ્યો છે. ગીરના જંગલમાંથી એક એવી વનસ્પતિ જોવા મળી છે જેના વિશે જાણીને તમે ચૌકી જશો. આ છે તો વનસ્પતિ પરંતુ શિકાર કરીને જીવતી રહે છે. સંશોધનકર્તાઓએ આ દુર્લભ વનસ્પતિને શોધી છે.
જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ફેલાયેલુ ગીરનું જંગલ પોતાની અંદર અનેક વિવિધતાઓ છુપાવીને બેઠુ છે. એશિયાટીક સિંહોના એકમાત્ર રહેણાંક ગીરમાં અનેક દુર્લભ વનસ્પતિઓ જોવા મળે છે. આવી જ એક વનસ્પતિ સંશોધન દરમિયાન મળી આવી છે. આ દુર્લભ વનસ્પતિનું નામ યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી.
આ વનસ્પતિની શોધ જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સિસ ભવનના પ્રોફેસર સુહાસ વ્યાસ અને વિદ્યાર્થીઓની ટીમે કરી છે. સામાન્ય રીતે અન્ય વનસ્પતિઓ જેવી જ દેખાતી આ વનસ્પતિ અન્ય વનસ્પતિથી અલગ છે. તેના કોથળી જેવા મુળથી તે સૂક્ષ્મ જીવાતોને ચૂસી લે છે.
પ્રોફેસર સુહાસ વ્યાસના જણાવ્યા અનુસાર, આ વનસ્પતિ ભારતમાં માત્ર મહારાષ્ટ્રમાં છેલ્લા સો વર્ષથી જોવા મળે છે અને પહેલી વખત ગુજરાતમાં ગીરના જંગલમાં જોવા મળી છે. આ વનસ્પતિની કુલ ચાર અલગ અલગ જાતો મળી આવી છે. યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી નામની આ દુર્લભ વનસ્પતિના મૂળ કોથળી જેવા હોય છે, એકથી દોઢ હાથવેંત જેટલી લાંબી હોય છે અને ફુલોના કારણે તેની ઓળખ થાય છે.