આપની ચોથી યાદી જાહેર, નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી કેજરીવા લડશે ચૂંટણી
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ પોતાની ચોથી યાદી જાહેર કરી દિધી છે. આપની ચોથી યાદીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનું નામ પણ સામેલ છે. અરવિંદ કેજરીવાલ આ વખતે પણ નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે. અરવિંદ કેજરીવાલ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2015 દરમિયાન પોતાની સીટ બદલશે નહી અને પ્રતિષ્ઠિત નવી દિલ્હી સીટ પરથી લડશે.
જો કે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી અરવિંદ કેજરીવાલના નામ પર સસ્પેંસ જાળવી રાખ્યું હતું. જેના લીધે વિવિધ પ્રકારની અટકળો શરૂ થઇ ગઇ હતી. આજે પ્રેસ રિલીઝ જાહેર કરી આપે અરવિંદ કેજરીવાલ સહિત વધુ આઠ ઉમેદવારોના નામની જાહેરાત કરી દિધી.
અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી કુલ મળીને 59 ઉમેદવારો જાહેર કરી ચૂકી છે, જ્યારે દિલ્હીમાં હજુ ચૂંટણીની ઔપચારિક જાહેરાત પણ થઇ નથી. તમને જણાવી દઇએ કે નવી દિલ્હી તે સીટ છે, જ્યાંથી ગત વર્ષે અરવિંદ કેજરીવાલે દિલ્હીની તત્કાલીન મુખ્યમંત્રી શીલ દીક્ષિતને તેમના ગઢમાં ઘૂસીને હરાવ્યા હતા.