નવી દિલ્હી, 18 માર્ચ: લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ આજે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવાની છે. કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. આ યાદી એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ યાદીમાં કોંગ્રેસ ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરૂદ્ધ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની આ બેઠક બાદ પાર્ટી વારાણસીથી પોતાના ઉમેદવારની જાહેરાત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વારાણસી સીટ પરથી ચૂંટણી લડાવવા માટે જાહેરાત કરી દિધી છે. એવામાં હવે બધાની નજર એ વાત પર ટકેલી છે કે કોંગ્રેસ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ પોતાના નેતાને મેદાનમાં ઉતારશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે અજય રાય અથવા રાજેશ મિશ્રામાંથી કોઇ એકને કોંગ્રેસ વારાણસી સીટ પરથી પોતાની ઉમેદવારી જાહેર કરી શકે છે.
કોંગ્રેસની ત્રીજી યાદીમાં લગભગ 100 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી શકે છે. પાર્ટી પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, દિલ્હી ઉપરાંત યૂપીની સીટો પર પણ પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી શકે છે. આશા એ પણ કરવામાં આવી રહી છે કે આ યાદીમાં કોમનવેલ્થ ગોટાળાના આરોપી સુરેશ કલમાડીની કિસ્મતનો નિર્ણય કરવામાં આવી શકે છે. કોંગ્રેસની ચૂંટણી સમિતિમાં કોંગ્રેસ નેતા મનીષ તિવારીની ચૂંટણી ન લડવાની પણ ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.
Did You Know: કોંગ્રેસના કેબિનેટ મંત્રી મનીષ તિવારીએ લોકસભા ચૂંટણી લડવાથી મનાઇ કરી દિધી છે. તેમને ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને ચૂંટણી લડવાથી મનાઇ કરી દિધી છે, પરંતુ જાણકારોનું માનવું છે કે ભાજપના પક્ષમાં વધતા જતા જનાધારને જોતાં તેમને ચૂંટણી લડવાની મનાઇ કરી દિધી.