• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

pegasus spyware - ભાજપે કહ્યું અમે ચર્ચા માટે તૈયાર છીએ, વિપક્ષ પાસે જાસુસીના કોઇ પુરાવા નથી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : હાલ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, પરંતુ આ સત્ર દરમિયાન બંને ગૃહોમાં ભારે હોબાળો મચી રહ્યો છે. પેગાસસ સ્પાયવેર મામલે વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. વિપક્ષના નેતા પેગાસસ સ્પાયવેર અંગે ગૃહમાં ચર્ચાની માંગ કરી રહ્યા છે. બીજી બાજુ પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પેગાસસ સ્પાયવેરના આરોપો મામલે વિપક્ષ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તેમના દાવાઓને સમર્થન આપવા માટે આવા કોઈ પુરાવા નથી.

રવિશંકર પ્રસાદે સંસદની કાર્યવાહીને લઈને ગુરુવારે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે સંસદની કાર્યવાહી ન થવા દેવા બદલ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, અમે સંસદમાં ચર્ચા માટે તૈયાર છીએ. ખૂબ જ તીક્ષ્ણ પ્રશ્નો પણ આપણે કોંગ્રેસ પાર્ટીને પૂછવાના છે, પરંતુ એક પ્રશ્ન પ્રામાણિકપણે અમે પૂછીએ છીએ કે, શું કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ સંસદમાં ચર્ચા કરવા માંગે છે? સંસદમાં કામગીરી ન થવા દેવી એ જ કોંગ્રેસનો એજન્ડા છે.

હજૂ સુધી કોઈ પુરાવા મળ્યા નથી : ભાજપ

બીજી તરફ પેગાસસ સ્પાયવેર વિવિદ બાબતે રવિશંકરે કહ્યું કે, અત્યાર સુધીમાં કોઈ પુરાવા મળ્યા નથી. વિપક્ષે એવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી કે, પેગાસસ

સ્પાયવેરનો ઉપયોગ તાજેતરમાં સામે આવેલા ફોન નંબરને ટેપ કરવા માટે કરવામાં આવ્યો હતો. સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના દાવાઓને સરકારે પહેલા જ નકારી દીધા છે.

સંસદમાં ચર્ચા માટે તૈયાર છે ભાજપ

રવિશંકરે કહ્યું કે, આજે અમે સંસદમાં ચર્ચા માટે તૈયાર છીએ. જ્યારે પેગાસસ પર અમારા મંત્રીનું નિવેદન રજૂ કરવામાં આવ્યું, ત્યારે આ લોકોએ મંત્રીનું નિવેદન ફાડી નાખ્યું. આ લોકોમાં કોઈ ગંભીરતા નથી. શું તેમને આજ સુધી કોઈ પુરાવા આપ્યા છે કે, કયા ફોન નંબર ટેપ કરવામાં આવ્યા હતા? કોંગ્રેસ પાર્ટી સંસદમાં ચર્ચા કરવા માંગે છે અથવા માત્ર કાદવ ફેંકવા અને વોક આઉટ કરવા જ માંગે છે, આ તેમની જૂની આદત છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, સરકાર દ્વારા આવી જાસૂસી શક્ય જ નથી.

ભાજપનો કોંગ્રેસ પર મોટો પ્રહાર

ભાજપે કહ્યું કે, કોંગ્રેસે 1947થી લગભગ 50 વર્ષ સુધી શાસન કર્યું. છે, પરંતુ દેશ માટે એ જાણવું જરૂરી છે કે, આજે તેમનું વર્તન કેટલું યોગ્ય છે. કોંગ્રેસનો એક સરળ મંત્ર છે કે જ્યાં સુધી પરિવારનું હિત છે, ત્યાં સુધી સંસદને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. જ્યાં પરિવારનું હિત ન હોય ત્યાં સંસદમાં કામગીરી થવા દેવી નહીં.

કોરોનાના બહાને કોંગ્રેસને ઘેરી

કોરોનાના બહાને રવિશંકર પ્રસાદે કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોરોના મહામારી અંગે કોંગ્રેસ પક્ષમાં ગંભીરતા જેવું કંઇ નથી એટલે જ વડાપ્રધાને બોલાવેલી બેઠકમાં કોવિડના તમામ વિષયો વિશે પૂરતા પ્રેઝન્ટેશન આપવાના હતા, તેમાં પણ કોંગ્રેસ પાર્ટીને ભાગ લેવું જરૂરી લાગ્યું નહીં.

સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી, 9 અરજીઓની કરશે સુનવણી

ગુરુવારના રોજ પેગાસસ જાસૂસી કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં શરૂ થઇ ચુકી છે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ એનવી રમના અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ કરી રહ્યાં છે. સુનાવણી પત્રકારો એનરામ અને શશીકુમાર, સીપીએમના રાજ્યસભાના સાંસદ જ્હોન બ્રિટાસ અને વકીલ એમએલ શર્મા સહિત કુલ નવ અરજીઓ પર થઇ રહી છે. તે બધાએ પોતાની અરજીઓમાં કહ્યું છે કે પત્રકારો અને રાજકારણીઓની જાસૂસી કરવી એ બહુ મોટો ગુનો છે, તે આપણી સ્વતંત્રતા પર હુમલો છે અને આ કારણસર તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અરજીમાં કેન્દ્ર સરકાર વિશે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

અરજીમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો કેન્દ્ર સરકારની આ જાસૂસીમાં ભૂમિકા હોય, જો સરકાર કે તેની કોઇ એજન્સીએ પેગાસસ સ્પાયવેરનું લાઇસન્સ લીધું હોય તો કેન્દ્રએ આ બાબતે તેની બાજુ સાફ કરવી જોઇએ કારણ કે તે અનૈતિક છે.

ઓવૈસીએ પૂછ્યું - મોદી સરકાર 300 સાંસદો હોવા છતાં ચર્ચાથી કેમ ડરે છે?

પેગાસસ પર બોલતા અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો છે કે, સરકારે પેગાસનો ઉપયોગ કરીને હેકિંગ કર્યું છે, જે ગેરકાયદેસર છે. જો ઈઝરાયલમાં તપાસ શરૂ થઈ શકે છે, તો અહીંયા પણ તપાસ થવી જોઈએ. ઓવૈસીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, જો સરકાર સમિતિ બનાવે છે, ફોન હેક થયો છે કે નહીં તે ચેક કરવા માટે કમિટી સામે પોતાનો ફોન રજૂ કરવા પણ તૈયાર છે.

શું છે સમગ્ર પેગાસસ સ્પાયવેર વિવાદ?

સમગ્ર વિશ્વના મીડિયા સંગઠનો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એવું બહાર આવ્યું હતું કે, ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ દ્વારા દેશના પ્રતિષ્ઠિત નાગરિકો, રાજકારણીઓ અને પત્રકારોની જાસૂસી કરાવવામાં આવતી હતી. ભારતમાં સરકારી એજન્સીઓ દ્વારા પેગાસસનો ઉપયોગ જાસૂસી માટે કરવામાં આવી રહ્યો છે. આ કેસમાં અરજદાર એન રામે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત અથવા નિવૃત્ત જજ દ્વારા આ સમગ્ર મામલે સ્વતંત્ર તપાસની માંગ કરી છે. પીઆઈએલએ કેન્દ્રને એ જણાવવાનો નિર્દેશ પણ માંગ્યો છે કે, શું સરકાર કે તેમની કોઈ એજન્સીએ પેગાસસ સ્પાયવેર માટે લાયસન્સ લીધું છે અને તેનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે સર્વેલન્સ માટે કરવામાં આવ્યો છે કે કેમ?

કઈ રીતે શરૂ થયો પેગાસસ સ્પાયવેર વિવાદ ?

એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ઈઝરાયેલની એક કંપનીએ બનાવેલા જાસૂસી સોફ્ટવેર પેગાસસ દ્વારા ભારતના 2 કેન્દ્રીય પ્રધાનો, 40થી વધુ પત્રકાર, વિપક્ષના 3 નેતાઓ તેમજ એક ન્યાયાધીશ સહિત કુલ 300 લોકોની જાસૂસી કરવામાં આવી હતી.

તપાસની અરજી સુપ્રીમ કોર્ટ સ્વીકારી

કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે શુક્રવારના રોજ પેગાસસ સ્પાયવેર કેસની તપાસ માટે ચીફ જસ્ટિસ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી બેચ સમક્ષ દલીલ કરી હતી. કપિલ સિબ્બલની દલીલ સાંભળીને ખંડપીઠે નોંધ્યું કે, કથિત જાસૂસીની મોટી અસરોને ધ્યાનમાં રાખીને સુનાવણી જરૂરી છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ પેગાસસ સ્પાયવેર કેસની તપાસની માંગ કરતી અરજી વરિષ્ઠ પત્રકાર એન રામ દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ અરજીને માન્ય રાખીને ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, આ કેસની સુનાવણી આગામી સપ્તાહથી કરવામાં આવશે.

શું છે પેગાસસ સ્પાયવેર સોફ્ટવેર?

પેગાસસ સ્પાયવેર સોફ્ટવેર છે, જે મોબાઈલ તેમજ કમ્પ્યુટરમાંથી કોન્ફિડેન્સિયલ અને પર્સનલ ડેટાની ચોરી કરીને હેકર્સ સુધી પહોંચાડી શકે છે. આ સોફ્ટવેરને કોઈપણ વ્યક્તિના ફોનમાં મોકલીને તેની જાસૂસી કરી શકાય છે, તેથી તેને સ્પાયવેર કહેવામાં આવે છે. પેગાસસ બનાવનારી કંપની NSOના જણાવ્યા અનુસાર તેમને આ સ્પાયવેર ઓફિસિયલી માત્ર સરકારોને જ વેચવામાં આવે છે. પેગાસસ દ્વારા iOS તેમજ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા કોઈપણ ફોન હેક કરી શકાય છે. જે બાદ તેમાંથી ફોનનો ડેટા, ઈ-મેઈલ, કોલ રેકોર્ડ્સ, ફોટોગ્રાફ્સ સહિત તમામ ગતિવિધિઓ હેકર્સ સુધી પહોંચાડવામાં આવે છે.

કેવી રીતે જાસૂસી થઇ શકે છે?

જો પેગાસસ સ્પાયવેર તમારા ફોનમાં આવી ગયો હોય તો તમારા 24 કલાક હેકર્સ નજર રાખી શકશે. તમને મળતા મેસેજિસને પણ હેકર્સ કોપી કરી શકશે. આ સ્પાયવેર તમારા ફોનમાં રહેલા ફોટોસ અને ફોન કોલ્સના રેકોર્ડિંગ્સ સુધી તમામ ડેટાને હેકર્સને પહોંચાડે છે. આ સ્પાયવેરમાં માઈક્રોફોન એક્ટિવ કરવાની ક્ષમતા હોવાથી તમારા ફોનની નજીક તમે શું બોલી રહ્યા છો, તે હેકર્સ સાંભળી શકે છે. આ સ્પાયવેર માત્ર એક મિસ્ડ કોલથી જ એક્ટિવેટ થઈ શકે છે.

આ અંગે કાયદાઓમાં જોગવાઈ શું છે?

ભારતમાં ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, 1885ના સેક્શન 5(2) મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે માત્ર ફોન ટેપિંગ કરવાનો અધિકાર છે. કાયદાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું સરકારના પોલીસ કે ઈન્કમ ટેક્સ વિભાગને જણાય તો તેમને ફોન ટેપ કરી શકે છે. આઈટી એક્ટ અંતર્ગત મોબાઈલ કે કમ્પ્યુટરમાં કોઈપણ પ્રકારના વાયરસ અને સોફ્ટવેર થકી જાસૂસી કરવી એ ગેરકાયદેસર પ્રવૃતિ છે. જેને હેકિંગની શ્રેણીમાં ગણીને ગુનાહિત કૃત્ય માનવામાં આવે છે.

English summary
Former Union Minister Ravi Shankar Prasad questioned the opposition on the Pegasus spyware allegations, saying there was no such evidence to support their claims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X
Desktop Bottom Promotion