રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન, 700 મિલ્કતો પર બુલડોઝર ફરશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અજી રિવરફ્રન્ટ અને જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવવાની વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં અંદાજે 312 કરોડની કિંમતની 87,000 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરાશે. શહેરના વિકાસ માટે જરૂરી એવા આ ટીપી રોડ પ્રોજેક્ટને પૂર્ણ કરવા તંત્ર દ્વારા આ કડક પગલાં લેવાયા છે.

સુરક્ષા વ્યવસ્થા માટે 2,500 થી વધુ પોલીસ જવાનો અને 1,130 મ્યુનિસિપલ સ્ટાફ મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. સમગ્ર જંગલેશ્વર વિસ્તારને સાત ઝોનમાં વહેંચીને વર્ગ-1ના અધિકારીઓ દ્વારા આ કામગીરીનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ અનિચ્છનીય ઘટના રોકવા માટે અર્ધલશ્કરી દળોની ટુકડીઓને પણ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરી દેવાઈ છે.
આ મેગા ડ્રાઈવમાં 64 જેસીબી, 90 ટ્રેક્ટર અને 7 હિટારી સહિત કુલ 260 થી વધુ મશીનો કાર્યરત છે. તંત્રની કડક કાર્યવાહી પહેલા જ 1,026 પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી સહકાર આપ્યો છે. ગેસ કટર અને બ્રેકર્સની મદદથી પાકા બાંધકામોને તોડી પાડી રિવરફ્રન્ટ માટેનો માર્ગ મોકળો કરવામાં આવી રહ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા કંટ્રોલ રૂમમાંથી સીધું નિરીક્ષણ કરી રહ્યા છે અને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે. સવારે 7:30 વાગ્યાથી શરૂ થયેલી આ ઝુંબેશમાં પ્રથમ ત્રણ કલાકમાં જ 455 મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું છે. વરિષ્ઠ IAS અને IPS અધિકારીઓ સ્થળ પર હાજર રહીને સમગ્ર ઓપરેશનની કાયદો-વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.
પોલીસ દ્વારા 25 ડ્રોન કેમેરા અને વોકી-ટોકી સેટની મદદથી દરેક હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા તત્વો સામે પણ પોલીસ સખત કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહેશે અને સાંજ સુધીમાં 700 થી વધુ પ્રોપર્ટીઝ તોડી પાડવાનો લક્ષ્યાંક છે.












Click it and Unblock the Notifications
