વડોદરા: દહેજ માટે અત્યાચાર ગુજારનાર પતિને 2 વર્ષની સજા
વડોદરઃ ઘરનું બાંધકામ કરવા માટે પીયરમાંથી દોઢ લાખ દહેજ લઈ આવવા માટે પરીણીતાને દબાણ કરવામા આવતુ હતુ. પરણિતા ઉપર ઉપર અત્યાચાર ગુજારવાના ગુનામાં પતિને 2 વર્ષની સજા ફટકારવાનો અદાલતે હુકમ કર્યો હતો. આ કિસ્સામાં પરીણીતા અને આરોપી પતિના લગ્ન 19 જાન્યુઆરીએ થયા હતા. જોગાનુજોગ કોર્ટે મેરેજ એનીવર્સરીના દિવસે જ પતિને દોષીત ઠરાવીને સજાનો આદેશ કર્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર અમિતા સુથારે પતિ હેમંત રામશંકર સુથાર, રામશંકર અંબાલાલ સુથાર (રહે, ઉમાનગર-૨,સોમા તળાવ પાસે, ડભોઈ રોડ) તથા નણંદ સોનલ સંજય સુથાર (રહે, સિધ્ધિ વિનાયક સોસાયટી, સુભાનપુરા) સામ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં દહેજ પ્રતિબંધક ધારા હેઠળ એફ.આઈ.આર. નોંધાવી હતી. જે ફરીયાદમા જણાવ્યુ હતુ કે, તા. 19 જાન્યુઆરી 2006ના રોજ હેમંત સુથાર સાથે લગ્ન થયા હતા. લગ્નના બીજા જ દિવસે પતિએ હાથાપાઈ કરી હતી. પતિ દારુ પીવાની કુટેવ ધરાવતા હતા નહીવત કારણોસર અવાર નવાર મારઝુડ કરતા હતા.
ઘર બનાવવા માટે પીયરમાંથી દોઢ લાખ લઈ આવવા માટે દબાણ કરાતું હતુ. આ કેસની સુનાવણી અદાલતમાં કરાતા મૂળ ફરીયાદીના વકીલ તરીકે ધર્મેન્દ્ર પરીખ હાજર રહયા હતા. સરકારી વકીલ આર.આર. પુરોહીતે દલીલો કરી હતી. બંન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ આરોપી પતિને બે વર્ષની કેદ તથા 10 હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો. જયારે પોલીસ ફરીયાદના અન્ય બે કુટુંબીઓને નિર્દોષ છોડી મુકયા હતા.