
કોંગ્રેસની પ્રમુખપદની ચૂંટણી માત્ર ઔપચારિક જ બનશે કે કેમ ??
દેશમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરીને દક્ષિણ ભારતથી પરિભ્રમણ કરી રહ્યા છે. દેશના સમગ્ર મીડિયાની નજર ખેંચી રહ્યા છે અને ભાજપની ચિંતા વધારી રહ્યા છે. ત્યારે, બીજી તરફ કોંગ્રેસમાં નવા અધ્યક્ષ બનાવવા માટેની કવાયત ચાલી રહી છે. ગાંધી પરિવારે અધ્યક્ષપદ સંભાળવા નનૈયો ભણી દેતાં આખરે કોંગ્રેસની વર્કિંગ કોર કમિટીને નવા અધ્યક્ષ પદ માટે ચૂંટણી કરવાની નોબત આવી છે.
કોંગ્રેસમાંથી મલ્લિકાર્જૂન ખર્ગે અને શશી થરૂર ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસના બંને નેતાઓ વરિષ્ઠ અને વર્તમાનમાં સાંસદ પદે છે. મલ્લિકાર્જૂન ખર્ગે રાજ્યસભાના સાંસદ છે. ત્યારે, શશી થરૂર કેરલની તિરુવનંતપૂરમથી લોકસભાના સાંસદ છે. પરંતું, હાલમાં કોંગ્રેસના મોટાભાગના નેતાઓ અને પ્રદેશ સંગઠનો મલ્લિકાર્જૂન ખર્ગેની પસંદના માનવામાં આવે છે.
આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે, નવા અધ્યક્ષ પદની ચૂંટણી માત્ર ઔપચારિક જ માનવામાં આવે છે. ખાસ કરીને, મલ્લિકાર્જૂન ખર્ગેને ગાંધી પરિવારની પસંદ માનવામાં આવી રહ્યા છે. ત્યારે, જી-23 ગૃપ પણ હાલમાં મલ્લિકાર્જૂન ખર્ગે સાથે જોવા મળી રહ્યુ છે. એ જોતાં, હાલની ચૂંટણી માત્ર ઔપચારિક બની રહે અને કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખર્ગે જ ચૂંટાય તેવી શક્યતા વધુ જોવા મળી રહી છે.