India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નૅન્સી પેલોસીની તાઇવાન મુલાકાત બાદ ચીન છંછેડાયું, પરિણામ ભોગવવાની ધમકી આપી

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

તાઇવાન અને ચીનનો ગૂંચવાયેલો ઇતિહાસ

  • ચીન અને તાઇવાન વચ્ચેનો તણાવ ઐતિહાસિક છે. 1940ના દાયકામાં ગૃહયુદ્ધ દરમિયાન ચીન અને તાઇવાનનું વિભાજન થયું હતું.
  • એ બાદથી તાઇવાન ખુદને સ્વતંત્ર દેશ ગણે છે જ્યારે ચીન પોતાના ભાગ ગણેછે અને જરૂર પડે ત્યારે બળપૂર્વક તેમનામાં સમાવિષ્ટ કરવાની વાત કરે છે.
  • તાઇવાન પાસે ખુદનું સંવિધાન, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા અને અંદાજે ત્રણ લાખ સક્રિય સૈનિકો છે.
  • તાઇવાનને થોડાક દેશોએ જ માન્યતા આપી છે. તાઇવાનને મોટાભાગના દેશ ચીનનો ભાગ માને છે.

ચીનની ધમકીઓ વચ્ચે અમેરિકન સંસદના હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર નૅન્સી પેલોસી મંગળવારે મોડી રાત્રે તાઇવાન પહોંચ્યાં હતાં.

બાદમાં બુધવારે સવારે તેઓ તાઇવાનનાં રાષ્ટ્રપતિ સાઈ ઇંગ-વેનને મળ્યાં હતાં. બંનેએ પરંપરાગત રીતે એકબીજાં સામે શીશ ઝૂકાવીને અભિવાદન કર્યું હતું અને તાઇવાનિઝ રાષ્ટ્રપતિ સાઈએ અડગ સમર્થન માટે પેલોસીનો આભાર માન્યો હતો.

તેમણે કહ્યું, "સ્પીકર પેલોસીના તાઇવાન સાથે લાંબા સમયથી ઘણા સારા સંબંધો છે. મારે તમારો આભાર માનવો જોઇએ."

આ સાથે તેમણે ચેતાવણી આપી હતી કે તાઇવાનમાં લોકતંત્ર વિરુદ્ધ આક્રમકતાની અસર સમગ્ર હિંદ-પ્રશાંત ક્ષેત્ર પર પડશે. જોકે, તેમણે કહ્યું, "તાઇવાન પાછું નહીં હઠે. અમે અમારી રાષ્ટ્રીય એકતાને મજબૂતીથી બનાવી રાખીશું."

જ્યારે નૅન્સી પેલોસીએ કહ્યું, "આજે અમારું પ્રતિનિધિમંડળ તાઇવાન આવ્યું છે. જેના પર મને ગર્વ છે. આ મુલાકાતથી એક વાત સ્પષ્ટ થાય છે કે અમે તાઇવાનને કરેલા વાયદાથી પાછા નહીં હઠીએ અને અમને અમારી મિત્રતા પર ભરોસો છે."

આ સાથે તેમણે હિંદ-પ્રશાંતક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા શક્ય પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.

પેલોસીની તાઇવાન મુલાકાત અઘોષિત હતી. અમેરિકાથી રવાના થતાં પહેલાં તેમણે પ્રતિનિધિમંડળ મલેશિયા, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને જાપાન જવાની જાહેરાત કરી હતી. તેમાં તાઇવાનનો ઉલ્લેખ ન હતો.

પેલોસી સાથે આવેલા પ્રતિનિધિમંડળમાં પેલોસી સિવાય અમેરિકન કૉંગ્રેસના પાંચ સભ્યો છે.


ચીનના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

https://twitter.com/CGTNOfficial/status/1554657182003605505

પેલોસીના તાઇવાન પહોંચ્યા બાદ ચીને કહ્યું કે અમેરિકા 'વન ચાઇના પૉલિસી'ને માનતું હોવા છતાં તેમણે તેનું ઉલ્લંઘન કર્યું છે. રાષ્ટ્રપતિ બાઇડનની જવાબદારી હતી કે તેઓ આ મુલાકાત રોકે.

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું, "અમેરિકા તાઇવાનનો ઉપયોગ ચીનને ઘેરવાના ભાગરૂપે કરી રહ્યું છે. અમેરિકા સતત 'વન ચાઇના પૉલિસી'ને પડકાર આપી રહ્યું છે. તેઓ તાઇવાનમાં અલગતાવાદીઓની આઝાદીની ચળવળને હવા આપી રહ્યા છે. અમેરિકાનું આ વલણ આગ સાથે રમવા જેવું છે, જે અત્યંત ખતરનાક છે. જે લોકો આગથી રમશે, જાતે જ સળગી જશે."

નૅન્સી પેલોસી જેવાં તાઇવાન પહોંચ્યાં, તરત જ ચીને સૈન્ય અભ્યાસની જાહેરાત કરી હતી. ચીન આ સૈન્ય અભ્યાસ તાઇવાનની આસપાસ જ યોજશે. આ દરમિયાન તેઓ તાઇવાનના હવાઈ અને જળસીમામાં પણ પ્રવેશી શકે છે.

ચીનની ધમકી અને પ્રતિક્રિયા પર અમેરિકાએ પણ જવાબ આપ્યો હતો. વ્હાઇટ હાઉસે કહ્યું કે તાઇવાન પર અમેરિકાના વલણમાં કોઈ ફેરફાર આવ્યો નથી.


'તાઇવાનના લોકતંત્ર માટે અમેરિકા પ્રતિબદ્ધ'

નૅન્સી પેલોસીએ એશિયા મુલાકાતની શરૂઆત સોમવારથી કરી હતી. સૌથી પહેલાં તેઓ સિંગાપોર ગયાં હતાં અને ત્યાંના રાષ્ટ્રપતિ લી સીન લૂંગને મળ્યાં હતાં.

સિંગાપોરના રાષ્ટ્રપતિ ચીન અને અમેરિકાના સંબંધોના મહત્ત્વને અવારનવાર રેખાંકિત કરતા હોય છે.

મલેશિયાથી SPAR19 વિમાનથી નૅન્સી પેલોસી મંગળવારે સાંજે તાઇપેઈ માટે રવાના થયા હતા. ફ્લાઇટ રડાર 24 ટ્રૅકિંગ વેબસાઇટ અનુસાર, નૅન્સી પેલોસીની ફ્લાઇટ ફિલિપાઇન્સ થઈને તાઇવાન પહોંચી હતી.

પેલોસી જ્યારે તાઇવાન પહોંચ્યા ત્યારે તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

તાઇવાન પહોંચ્યા બાદ તેમણે ટ્વિટર પર પોતાની વાત મૂકી હતી. તેમણે લખ્યું, "અમારા પ્રતિનિધિમંડળની તાઇવાન મુલાકાત અહીંના લોકતંત્ર પ્રત્યે અમેરિકાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તાઇવાનના નેતૃત્વ સાથે વાતચીતમાં અમે ભાગીદારો સાથેનાં હિતોમાં મૂક્ત અને ખુલ્લા હિંદ-પ્રશાંતક્ષેત્ર માટેની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરાવીશું."

તેમણે કહ્યું છે, "અમારા કૉંગ્રેસના પ્રતિનિધિમંડળનો તાઇવાન પ્રવાસ અહીંના જીવંત લોકતંત્રનું સમર્થન કરવા માટે અમેરિકના અડગ પ્રતિબદ્ધતાને દર્શાવે છે."

"આ અમારો ઇન્ડો-પૅસિફિક પ્રવાસનો ભાગ છે, જેમાં સિંગાપોર, મલેશિયા, દક્ષિણ કોરિયા અને જાપાન સામેલ છે. આ પ્રવાસ સુરક્ષા, આર્થિક ભાગીદારી અને લોકતાંત્રિક શાસનના મુદ્દાઓ પર કેન્દ્રીત છે."

તાઇપેમાં ઊતર્યાં બાદ નૅન્સી પેલોસીએ તાઇવાનની લોકશાહી માટે અમેરિકાના અડગ સમર્થનની વાત ઉચ્ચારી હતી અને કહ્યું હતું આ મુલાકાત સ્વશાસિત ટાપુ માટે અમેરિકાની લાંબા ગાળાની નીતિ સાથે સંપૂર્ણ રીતે સંમત છે.

નૅન્સી પેલોસીએ ચીન તરફથી વધતી ધમકીને જોતાં તાઇવાનના 2.3 કરોડ લોકો માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.


ભડકી ઉઠ્યું ચીન

https://twitter.com/globaltimesnews/status/1554530884535357441

નૅન્સી પેલોસીના તાઇવાન પહોંચવાની સાથે જ ચીન ભડકી ઊઠ્યું છે અને ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ વિવિધ પ્રકારની ગતિવિધિઓ શરૂ કરી દીધી છે.

ચીને ઉત્તર, દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ તાઇવાનના જળ અને હવાઇક્ષેત્રમાં સૈન્યઅભ્યાસ કરવાની જાહેરાત કરી છે. પીએલએ દ્વારા છ 'નો એન્ટ્રી ઝોન' જાહેર કરવામાં આવ્યા છે.

ચીને બીજિંગમાં અમેરિકન રાજદૂત નિકોલસ બર્ન્સને સમન્સ પાઠવ્યું છે.

ચીનના ઉપ-વિદેશમંત્રી શી ફૅંગે કહ્યું કે પેલોસીની તાઇવાન મુલાકાતના ગંભીર પરિણામ આવશે.

આ ઉપરાંત ચીન દ્વારા તાઇવાનની ઘેરાબંધી કરીને વિવિધ હથિયારો સાથે સૈન્યઅભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.


તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.


English summary
After Nancy Pelosi's visit to Taiwan, China teased, threatening to suffer consequences
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X