Bangladesh Crisis: બાંગ્લાદેશમાં ઉપદ્રવીઓનુ તાંડવ, મશરફે મુર્તઝા-લિટન દાસનુ ઘર ફૂંક્યુ, 8ને જીવતા સળગાવ્યા
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં સોમવારે (05 ઓગસ્ટ) તખ્તાપલટ પછી પણ હિંસા અટકી રહી નથી. દેખાવકારો એક પછી એક અવામી લીગ સાથે જોડાયેલા નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. ગુસ્સે ભરાયેલા ટોળાની તાલિબાની ક્રૂરતા સ્પષ્ટ દેખાઈ રહી છે.
બાંગ્લાદેશમાં, બદમાશો હવે લઘુમતી હિન્દુઓ, શેખ હસીના, તેમની પાર્ટી અવામી લીગના નેતાઓ-સમર્થકો અને તેમના સ્થાનોને નિશાન બનાવી રહ્યા છે. પોલીસ સ્ટેશનથી લઈને જેલ સુધી બદમાશોનુ તાંડવ જોવા મળી રહ્યુ છે.

હિંસા વચ્ચે વિરોધીઓ હવે હિન્દુ સમુદાયના લોકોને નિશાન બનાવી રહ્યા છે. મહેરપુરના ઈસ્કોન મંદિરમાં તોફાનીઓએ તોડફોડ કરી છે. ઢાકા ટ્રિબ્યુને અહેવાલ આપ્યો હતો કે, બાંગ્લાદેશમાં સોમવારની અશાંતિ દરમિયાન ઓછામાં ઓછા 135 લોકો માર્યા ગયા હતા જેમાં પોલીસ ગોળીબાર, ટોળાની મારપીટ અને આગચંપીનો સમાવેશ થાય છે. સોમવારે પ્રદર્શનકારીઓ અને અવામી લીગના માણસો વચ્ચેની અથડામણ દરમિયાન પોલીસ ગોળીબારમાં ઓછામાં ઓછા 96 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
બાંગ્લાદેશના જેસોર જિલ્લામાં તોફાનીઓએ એક હોટલને આગ ચાંપી દીધી હતી. જેમાં 8 લોકો જીવતા સળગી ગયા હતા. જે હોટલને બદમાશોએ આગ લગાવી હતી તે અવામી લીગના નેતા શાહીન ચકલાદારની છે. આ ઘટનામાં અન્ય 84 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
તોફાનીઓ સતત એક પછી એક મોટી હિંસક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને અવામી લીગના સાંસદ મશરફે મુર્તઝાના ઘરમાં આગ લગાવી દીધી હતી. આ સિવાય બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના વિકેટકીપર અને ઓપનર લિટન દાસ જે લઘુમતી હિન્દુ છે. તેમના ઘરને પણ બદમાશોએ સળગાવી દીધું હતું.
પોલીસ સ્ટેશન અને જેલો પર પણ હલ્લો કરવામાં આવ્યો છે. દેખાવકારોએ શેરપુર જિલ્લા જેલ પર હુમલો કર્યો અને જેલમાંથી 500 જેટલા કેદીઓને મુક્ત કરી દીધા. રાજધાની ઢાકામાં બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશના ઘરને પણ પ્રદર્શનકારીઓએ નિશાન બનાવ્યું હતું અને ભારે લૂંટફાટ કરી હતી.












Click it and Unblock the Notifications
