બાંગ્લાદેશમાં યુનુસ સરકારને મોટો ઝટકો, ઓપિનિયન પોલમાં સરકાર બદલવાના એંઘાણ
બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ યોજાનારી 13મી સામાન્ય ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. તાજા ઓપિનિયન પોલે દેશના રાજકીય ભવિષ્યનું સ્પષ્ટ ચિત્ર રજૂ કર્યું છે.
સર્વે મુજબ, પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની આવામી લીગના પતન બાદ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી ફરતી દેખાઈ રહી છે. આ ચૂંટણી દક્ષિણ એશિયા માટે પણ નિર્ણાયક છે.

એમિનન્સ એસોસિએટ્સ દ્વારા દેશના 300 સંસદીય વિસ્તારોમાં કરાયેલા સર્વે મુજબ, BNPને 70 ટકા મતદારોનો ટેકો મળ્યો છે, જ્યારે તેના હરીફ જમાત-એ-ઇસ્લામીનો ટેકો માત્ર 19 ટકા સુધી સીમિત છે. આશ્ર્ચર્યજનક બાબત તો એ છે કે, આવામી લીગના 60 ટકા પરંપરાગત સમર્થકો પણ હવે BNP તરફ વળ્યા છે, જે ઐતિહાસિક જીતનો સંકેત છે.
BNPના કાર્યકારી નેતા તારિક રહેમાન માટે આ પરિણામો સંજીવની સમાન છે. ઓપિનિયન પોલના સકારાત્મક વલણોને પગલે BNP તેમને ઔપચારિક રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા તૈયારી કરી ચૂકી છે. મહાસચિવ ફખરુલ ઇસ્લામ આલમગીરે ટૂંક સમયમાં જાહેરાત થવાના સંકેત આપ્યા છે.
પોતાની રાજકીય વિરાસતને સંભાળતા તારિક રહેમાનનો ચૂંટણી પ્રચાર સિલહટમાંથી શરૂ થશે. આ ક્ષેત્ર તેમની માતા ખાલિદા ઝિયાનો પરંપરાગત ગઢ રહ્યો છે. આ પગલું સમર્થકોને ભાવનાત્મક રીતે એકજૂટ કરશે તેવું મનાય છે.
ઓગસ્ટ 2024માં શેખ હસીના સરકારને ઉથલાવી દેનારા વિદ્યાર્થી આંદોલનથી ઉભરેલી નેશનલ સિટિઝન્સ પાર્ટી (NCP)ને સર્વેમાં માત્ર 2.6 ટકા લોકોનો જ સાથ મળ્યો છે. આ દર્શાવે છે કે શેરીઓ પરનો જન-આક્રોશ સ્થાયી રાજકીય સમર્થનમાં પરિવર્તિત થતો નથી.
બાંગ્લાદેશની જનતા હાલ નવા રાજકીય પ્રયોગોને બદલે સ્થાપિત અને અનુભવી નેતૃત્વ એટલે કે BNP પર વધુ વિશ્વાસ દાખવી રહી છે. જન સમર્થન મજબૂત રાજકીય શક્તિ તરફ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
આ ચૂંટણી સ્થાનિક પરિવર્તન પૂરતી સીમિત નથી. તેના પ્રાદેશિક સત્તા સંતુલન પર ગહન પડઘા પડશે. શેખ હસીનાના ભારત સાથેના ગાઢ સંબંધો પછી BNPની સંભવિત વાપસી નવી દિલ્હી અને બેઇજિંગ બંને માટે રાજદ્વારી પડકારો અને નવી તકો લઈને આવશે.
આવામી લીગના વિખેરણ અને જમાત-એ-ઇસ્લામીની સીમિત વૃદ્ધિ વચ્ચે 12 ફેબ્રુઆરીના રોજ યોજાનાર મતદાન એ નક્કી કરશે કે બાંગ્લાદેશ લોકશાહીના માર્ગે રહેશે કે પછી ધાર્મિક કટ્ટરવાદ અને રાજકીય અસ્થિરતાના નવા યુગમાં પ્રવેશ કરશે.












Click it and Unblock the Notifications
