નાઇઝરમાં તખ્તાપલટ, 250 ભારતીયોને દેશ છોડવાની સલાહ
પશ્ચિમ આફ્રિકી દેશ નાઇઝરમાં રહેવાવાળી ભારતીય મૂળના લોકોને ભારત સરકારે દેશ છોડવા માટે એડવાઇઝરી જાહેર કરી છે. તાજેતર નાઇઝરમાં અંદાઝે 250 ભારતીય મૂળના લોકો વસવાટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને થયેલા સૈન્ય તખ્તાપલટ બાદથી પ્રદર્શન અને હિંસાની ઘટનાઓ બની રહી છે.
વિદેશ મંત્રાલયે પોતાની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, જે લોકો નાઈઝર જવા ઈચ્છે છે તેમણે સ્થિતિ સામાન્ય થવાની રાહ જોવી જોઈએ.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર નાઝજરની સ્થિતિ પર નજર રાખી રહી છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જે ભારતીયોને નાઈઝરમાં રહેવાની જરૂર નથી, તેઓએ વહેલામાં વહેલી તકે દેશ છોડી દેવો જોઈએ.
નાઈઝરમાં રહેતા ભારતીયો માટે ઈમરજન્સી નંબર જાહેર - તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે ભારતીયોએ રાજધાની નિયામીની એમ્બેસી સાથે નોંધણી કરાવી નથી, તેમણે આ પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવી જોઈએ. ભારતીય નાગરિકો એમ્બેસીના ઈમરજન્સી નંબર +22799759975
પર સંપર્ક કરી શકે છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, નાઈજરમાં હાલમાં એરસ્પેસ બંધ છે, તેથી સરહદ પાર કરતા લોકોએ ખાસ કાળજી લેવાની જરૂર છે.
ફ્રાન્સે હજારો લોકોને બચાવ્યા - આ પહેલા 3 ઓગસ્ટના રોજ ફ્રાન્સ સરકારે નાઈઝરમાંથી એક હજારથી વધુ લોકોને બચાવ્યા હતા. આમાં ફ્રાન્સ ઉપરાંત 10-15 ભારતીયો પણ સામેલ હતા. આ સિવાય ફ્રાન્સે યુરોપ, લેટિન અમેરિકા, આફ્રિકા, મધ્ય-પૂર્વના કેટલાક લોકોને બચાવ્યા હતા. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી.
પ્રેસિડેન્ટ ગાર્ડે બનાવ્યો કેદી - 26 જુલાઈના રોજ પશ્ચિમ આફ્રિકન દેશ નાઈઝરમાં સેનાએ બળવો કર્યો હતો. કેટલાક સશસ્ત્ર સૈનિકો રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા અને તેના પર કબ્જો કરી લીધો હતો. આ સાથે રાષ્ટ્રપતિ મોહમ્મદ બઝૌમને સત્તા પરથી હટાવીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, સેનાએ રાષ્ટ્રીય ટીવી પર દેખાઈને બળવાની જાહેરાત કરી હતી. કર્નલ અમાદોઉ અબ્દ્રમાને, અન્ય લશ્કરી અધિકારીઓ સાથે, ટીવી પર આવ્યા અને રાષ્ટ્રપતિને સત્તા પરથી હટાવવાની વાત કરી હતી.
સેનાએ સરહદ સીલ કરી, દેશમાં લગાવ્યો કરફ્યૂં - કર્નેલે વધુમાં જણાવ્યું હતું કે, બગડતી સુરક્ષા સ્થિતિ અને ખરાબ શાસનને કારણે અમે રાષ્ટ્રપતિ શાસન ખતમ કરી રહ્યા છીએ. અબ્દ્રમાને નાઈઝરની સરહદો સીલ કરવાની પણ જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં કરર્ફ્યૂં લાદવામાં આવ્યો હતો અને તમામ સરકારી કચેરીઓ સ્થગિત કરી દેવામાં આવી હતી.
આ પછી યુરોપિયન યુનિયન, આફ્રિકન યુનિયન અને યુએન અને અમેરિકા સહિત અન્ય ઘણા દેશોએ પણ તખ્તાપલટનો વિરોધ કર્યો હતો. આ કારણે યુએન અને ઈયુએ પણ નાઈઝરને આપવામાં આવતા ફંડ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
ECOWASએ આપ્યું હતું અલ્ટીમેટમ - પશ્ચિમ આફ્રિકાના દેશોના આર્થિક સંગઠન ECOWASએ 4 ઓગસ્ટના રોજ સૈન્યને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. સંગઠને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા પ્રમુખ મોહમ્મદ બઝૌમની વહેલી મુક્તિ માટે હાકલ કરી હતી અને જો તે આમ નહીં કરે, તો બળનો ઉપયોગ કરવાની ચેતવણી આપી હતી. ત્યારથી નાઈઝરમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. લશ્કર હજુ પણ સત્તામાં રહ્યું છે.












Click it and Unblock the Notifications
