ચીનમાં ફરીથી કોરોનાનો મહાવિસ્ફોટ, સ્મશાનગૃહોમાં લાશોના ઢગલા, એક્સપર્ટસે દુનિયા માટે વ્યક્ત કરી ચિંતા
ચીનમાં ફરીથી કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે. સ્મશાનગૃહોમાં લાશોના ઢગલા થઈ રહ્યા છે. નિષ્ણાતો દુનિયા માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
બેઈજિંગઃ એક તરફ જ્યાં આપણો દેશ કોરોના મહામારીના પ્રકોપમાંથી ઉભરી રહ્યો છે ત્યાં ચીનથી એક ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કોવિડ-19 પ્રતિબંધોમાં ઢીલ બાદ ચીનમાં કોરોના વાયરસના કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે તેમને જમીન પર સૂવડાવવા પડી રહ્યા છે. વાયરસ વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ ચીનની લગભગ 60 ટકા અને ધરતીની કુલ 10 ટકા વસ્તી આગલા 90 દિવસોમાં સંક્રમિત થઈ શકે છે.

લાખો લોકોના મોત થઈ શકે
મહામારી વિશેષજ્ઞ અને આરોગ્ય અર્થશાસ્ત્રી એરિક ફીગલ-ડિંગે જણાવ્યુ કે ચીનની હૉસ્પિટલો કોરોના દર્દીઓથી ભરાઈ ગઈ છે. આવતા 9 મહિના દરમિયાન આ મહામારીથી લાખો લોકોના મોત પણ થઈ શકે છે. વૉલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા મુજબ કોવિડ-19 દર્દીઓના કારણે બેઈજિંગના સ્મશાન ઘાટ મૃતદેહોથી ભરાઈ ગયા છે. તેમણે કહ્યુ કે આ માત્ર શરુઆત છે. અનુમાન છે કે કોરોના સંક્રમણથી 20 લાખ લોકોના મોત થઈ શકે છે. આ ઉપરાંત 80 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે.

'જેઓ મરી રહ્યા છે, તેમને મરવા દો'
ફીગલ-ડિંગના જણાવ્યા મુજબ ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)એ દર્દીઓની વધતી સંખ્યાને કારણે કહી દીધુ છે કે, 'જેમને ચેપ લાગી રહ્યો છે તેમને લાગવા દો, જેઓ મરી રહ્યા છે, તેમને મરવા દો.' માહિતી મુજબ 19 અને 23 નવેમ્બરની વચ્ચે ચાર મૃત્યુની ઘોષણા પછી ચીને બેઇજિંગમાં કોવિડ -19 મૃત્યુની કોઈ જાણ કરી નથી. ધ વૉલ સ્ટ્રીટ જર્નલે ચીનની રાજધાનીના પૂર્વ છેડે બેઇજિંગ ડોંગજિયાઓ સ્મશાનગૃહમાં કામ કરતા લોકોને ટાંકીને દાવો કર્યો હતો કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં અંતિમ સંસ્કાર અને અન્ય અંતિમ વિધિઓ માટેની વિનંતીઓમાં વધારો જોવા મળ્યો છે.

'સ્મશાનગૃહમાં રોજ 200 મૃતદેહો આવી રહ્યા છે'
શુક્રવારે સ્મશાનઘાટ પર ફોન પર વાત કરતી એક મહિલાએ કહ્યુ, 'કોવિડ ફરીથી આવ્યા પછી કામનો બોજ વધી ગયો છે.' મહિલાએ કહ્યુ કે ડોંગજિયાઓ સ્મશાનગૃહ બેઇજિંગ મ્યુનિસિપાલિટી દ્વારા સંચાલિત છે અને રાષ્ટ્રીય આરોગ્ય આયોગ દ્વારા કોવિડ-પોઝિટિવ કેસોને સંભાળવા માટે નિયુક્ત કરવામાં આવ્યુ છે. તેમાં એટલા બધા મૃતદેહો આવી રહ્યા છે કે તે વહેલી પરોઢે અને મધરાતે પણ અગ્નિસંસ્કાર કરવા પડી રહ્યા છે. તેમનો અંદાજ છે કે સ્મશાનગૃહમાં દરરોજ લગભગ 200 મૃતદેહો આવે છે. મહિલાએ એમ પણ કહ્યુ છે કે વધતા કેસોને કારણે ઘણા દર્દીઓને પણ ચેપ લાગ્યો છે.

20 ટકા મેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત
મહામારી નિષ્ણાતોનુ માનીએ તો બેઇજિંગમાં અંતિમ સંસ્કાર નોન-સ્ટૉપ થઈ રહ્યા છે. સ્મશાનગૃહો ઓવરલોડ છે. આ જ કારણ છે કે રેફ્રિજરેટેડ કન્ટેનરની જરૂર પડી રહી છે. આ સમયે ચીનની હાલત 2020 જેવી અત્યંત ખરાબ થઈ ગઈ છે. કોરોના પ્રતિબંધો હળવા થયા બાદ કોરોના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. ચીનમાં કોવિડ-19 કેસોના વધારાના કારણે ચીનને પણ મેડિકલ સ્ટાફની કમીનો સામનો કરવો પડી રહ્યો છે કારણકે ઘણા બધા ડૉક્ટરો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. રિપોર્ટ મુજબ મધ્ય ચીનના હુબેઈ પ્રાંતમાં એક કાઉન્ટી સ્તરના શહેરમાં એક ડૉક્ટરનુ અનુમાન છે કે તેમની હૉસ્પિટલમાં 20 ટકા મેડિકલ કર્મચારી સંક્રમિત છે.












Click it and Unblock the Notifications
