મોદી સરકારના કડક વલણ બાદ કેનેડાના પીએમ ટ્રુડોના તેવર ઠંડા પડ્યા, કહ્યુ - ભારત સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ
India-Canada Row: ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ભારતે 'જેવા સાથે તેવા નીતિ' હેઠળ કેનેડાને તેની જ ભાષામાં જવાબ આપી દીધો છે. ત્યારબાદ કેનેડા પીએમ જસ્ટીન ટ્રુડો હવે પોતાનો સૂર બદલતા દેખાઈ રહ્યા છે.
તાજેતરના નિવેદનમાં, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણીના 'વિશ્વસનીય આરોપો' છતાં, કેનેડા હજુ પણ ભારત સાથે ગાઢ સંબંધો બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

વિશ્વભરમાં ભારતના વધતા પ્રભાવ તરફ ઈશારો કરતા ટ્રુડોએ કહ્યું કે કેનેડા અને તેના સાથી દેશો ભારત સાથે જોડાયેલા રહે તે "અત્યંત મહત્વપૂર્ણ" છે તેમ કેનેડા સ્થિત નેશનલ પોસ્ટના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે. ગુરુવારે મૉન્ટ્રીયલમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં બોલતા, ટ્રુડોએ કહ્યું કે તેઓ માને છે કે તે 'અત્યંત મહત્વપૂર્ણ' છે કે કેનેડા અને તેના સાથી દેશો ભારત સાથે 'રચનાત્મક અને ગંભીરતાથી' જોડાણ કરવાનું ચાલુ રાખે કારણ કે વિશ્વ મંચ પર ભારતનું વધતું મહત્વ છે.
પીએમ ટ્રુડોએ પત્રકારોને જણાવ્યું હતુ કે, "ભારત એક ઉભરતી આર્થિક શક્તિ અને મહત્વપૂર્ણ ભૌગોલિક રાજનીતિક ખેલાડી છે. અને અમે ગયા વર્ષે અમારી ઇન્ડો-પેસિફિક વ્યૂહરચના રજૂ કરી હતી, અમે ભારત સાથે ગાઢ સંબંધોને આગળ વધારવા માટે ખૂબ જ ગંભીર છીએ. દેખીતી રીતે, કાયદાના શાસન દ્વારા સંચાલિત એક દેશ તરીકે, અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે ભારતે કેનેડા સાથે કામ કરવાની જરૂર છે જેથી કરીને અમને આ કેસના સંપૂર્ણ તથ્યો મળે.''
આ સાથે ટ્રુડોએ કહ્યું કે તેમને યુએસ તરફથી આશ્વાસન મળ્યું છે કે સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટોની બ્લિંકન વૉશિંગ્ટન ડીસીમાં તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથેની મુલાકાત દરમિયાન નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા વિશે જાહેરમાં લગાવાયેલા આરોપોને ઉઠાવશે. (જોકે જયશંકર-બ્લિંકન વચ્ચેની વાતચીતમાં આ મુદ્દો ઊભો થયો ન હતો)
જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે 'અમેરિકાએ ભારત સરકાર સાથે વાતચીતમાં અમારું સમર્થન કર્યું છે. ભારત સરકારના એજન્ટોએ કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યા કરી હોવાના વિશ્વાસપાત્ર આરોપો સામે તેઓ કાર્યવાહી કરે તે આવશ્યક છે.'
તમને જણાવી દઈએ કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાલમાં જ કેનેડાની સંસદમાં આપેલા નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે છે. આના પર ભારત સરકારે કેનેડાને કાયદાકીય પુરાવા રજૂ કરવા કહ્યું હતું પરંતુ અત્યાર સુધી કેનેડાએ ભારતને કોઈ પુરાવા આપ્યા નથી.












Click it and Unblock the Notifications
