ન્યૂયોર્ક મુલાકાતમાં શરીફ સમક્ષ મનમોહને ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો
ન્યૂ યોર્ક, 30 સપ્ટેમ્બર : ભારતની વડાપ્રધાન મનમોહન સિંહ અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે અમેરિકાના ન્યૂ યોર્કમાં મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. દ્વિપક્ષીય સંબંધોને પ્રસ્થાપિત કરવા માટેના ઉપાયો વિશે વાતચીત દરમિયાન મનમોહન સિંહે પાકિસ્તાન તરફથી આપવામાં આવી રહેલા આતંકવાદને પ્રોત્સાહન અંગેનો મુદ્દો નવાઝ શરીફ સમક્ષ ઉઠાવ્યો હતો.
આ મુલાકાત દરમિયાન મનમોહન સિંહે પાકિસ્તાનની ધરતી પરથી પેદા થતા આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને શરીફને કહ્યું કે એમની સરકાર સરહદ પારના આતંકવાદને ખતમ કરવા માટે વધારે અને અસરકારદ પગલાં ભરે. મનમોહન સિંહ સાથે તે બેઠકમાં વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન અને વિદેશ સચિવ સુજાતા સિંહ પણ હાજર રહ્યાં હતાં.

મનમોહન સિંહે આ મુલાકાત દરમિયાન 26/11ના મુંબઈ ટેરર હુમલાઓ તેમજ અંકુશ રેખા પર પાકિસ્તાની લશ્કર દ્વારા અવારનવાર ભારતીય લશ્કરી ચોકીઓ પર કરાયેલા હુમલાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. મનમોહન સિંહ અને શરીફ યુનાઈટેડ નેશન્સની મહાસમિતિના ૬૮મા સત્રમાં હાજરી આપવા માટે ન્યૂ યોર્ક આવ્યા છે. સત્રની બેઠક દરમિયાન સમય કાઢીને તેઓ ન્યૂ યોર્ક પેલેસ હોટેલમાં મળ્યા હતા. આ જ બેઠક દરમિયાન ભારત વતી શરીફને ભારતની યાત્રા પર આવવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
