
ડોમિનિકાની સરકારે કોર્ટમાં કહ્યુ, મેહુલ ચોક્સીને ભારતને સોંપવામાં આવે
નવી દિલ્લીઃ પંજાબ નેશનલ બેંકનો હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ફરાર મેહુલ ચોક્સી જલ્દી ભારત આવી શકે છે. આજે ડોમિનિકાની કોર્ટમાં મેહુલ ચોક્સી પર કોર્ટ સુનાવણી કરશે. સુનાવણી પહેલા ડોમિનિકા સરકારે કોર્ટને કહ્યુ છે કે મેહુલનો ભારત પ્રત્યાર્પિત કરવો જોઈએ. મેહુલ ચોક્સી પર આરોપ છે કે તેણે પંજાબ નેશનલ બેંકને 14 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો. હવે ભારતની એજન્સીઓ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની કોશિશ કરી રહી છે. ડોમિનિકા સરકાર તરફથી આ મામલે વકીલે કોર્ટને કહ્યુ કે મેહુલ ચોક્સી તરફથી જે અરજી દાખલ કરવામાં આવી છે તે સુનાવણી યોગ્ય નથી અને તેના પર સુનાવણી ન થવી જોઈએ. વળી, સરકારના એક અધિકારી તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારત ડોમિનિકા કોર્ટમાં મેહુલ ચોક્સીને જલ્દી ભારત ડિપોર્ટ કરવાની અપીલ કરશે.
તમને જણાવી દઈએ કે મેહુલ ચોક્સીને ગયા સપ્તાહે ડોમિનિકામાં પકડવામાં આવ્યો જ્યારે તે ભારતના પ્રત્યાર્પણથી બચવા માટે ક્યુબા ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. હાલમાં મેહુલ ચોક્સી હોસ્પિટલમાં છે જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. તેના વકીલનુ કહેવુ છે કે એંટીગુઆમાં મેહુલ ચોક્સીનુ અપહરણ થયુ હતુ એ દરમિયાન તેને ઈજા થઈ હતી. ચોક્સીની લીગલ ટીમનુ કહેવુ છે કે તેનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ અને બંધક બનાવીને ડોમિનિકા લાવવામાં આવ્યો. જો કોર્ટ આ દલીલને સ્વીકારે તો ચોક્સીને ફરીથી એંટીગુઆ મોકલી દેવામાં આવશે. ચોક્સીને એટીંગુઆની નાગરિકતા મળી છે અને ભારત લાવતા પહેલા જ મેહુલ ચોક્સી એંટીગુઆ જતો રહ્યો હતો.
ડોમિનિકામાં પકડાયા બાદ એંટીગુઆ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે ચોક્સીને સીધો ભારત પ્રત્યાર્પિત કરી દેવો જોઈએ. એંટીગુઆની વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે સરકાર ચોક્સીની મદદ કરી રહી છે. મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે જણાવ્યુ કે ચોક્સીને ગેરકાયદે રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે અને તેને 72 કલાકની અંદર કોર્ટમાં મેજિસ્ટ્રેટ સામે હાજર કરવો જોઈએ. જોવાની વાત એ છે કે ભારત તરફથી 8 સભ્યોની ટીમ પહેલા જ ડોમિનિકામાં છે. આ ટીમમાં ઈડી, સીબીઆઈના અધિકારી પણ શામેલ છે. સરકારે ત્રિનિદાદ અને ટોબેગોના હાઈ કમિશ્નરને પણ આ મામલે મદદ માટે મોકલ્યા છે.
ભારતના ગૃહ મંત્રાલયના અધિકારીનો દાવો છે કે મેહુલ ચોક્સીએ ખોટા દસ્તાવેજો અને માહિતીના આધારે એંટીગુઆની નાગરિકતા મેળવી છે. અમે તેનો સતત વિરોધ કરી રહ્યા છે. વળી,ચોક્સીની ટીમનુ કહેવુ છે કે નાગરિકતાના નિયમ બંધારણથી વધુ ન હોઈ શકે. બંધારણના અનુચ્છેદ 9 અનુસાર જો કોઈ ભારતીય બીજા દેશની નાગરિકતા માટે આવેદન કરે તો તેની નાગરિકતા આપોઆપ રદ થઈ જાય છે. માટે ભારતની અરજીમાં કોઈ આધાર નથી. નોંધનીય છે કે મેહુલ ચોક્સી અને તેનો પિતરાઈ ભાઈ નીરવ મોદી જાન્યુઆરી 2018માં ભારતથી ભાગી ગયા હતા. બંને પીએનબી કૌભાંડ સામે આવ્યા બાદ ભાગી ગયા હતા.