For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન : 100 વર્ષ જૂના હિંદુ મંદિર પર હુમલો કરાયો

પાકિસ્તાનના શહેર રાવલપિંડીમાં 100 વર્ષ જૂના હિંદુ મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આ સંદર્ભે અજાણ્યા શખ્સો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.બની ગલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, રાવલપિંડીના 'પુરાના કિલ્લા' વિસ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
મંદિરના મુખ્ય બારણા અને તેની અંદર આવેલા દાદરાને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યા છે.

પાકિસ્તાનના શહેર રાવલપિંડીમાં 100 વર્ષ જૂના હિંદુ મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આ સંદર્ભે અજાણ્યા શખ્સો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

બની ગલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, રાવલપિંડીના 'પુરાના કિલ્લા' વિસ્તારમાં આવેલાં જૂના માતામંદિર ઉપર રવિવારે સાંજે હુમલો કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાન દંડસંહિતાની દેવનિંદા, હુલ્લડ ભડકાવવા તથા ગેરકાયદે મંડળી રચવા સહિતની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, વિભાજન સમયથી જ આ મંદિર બંધ હતું અને 24મી માર્ચથી તેના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એફઆઈઆર મુજબ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે ઐતિહાસિક મંદિરની આજુબાજુનું કેટલુંક દબાણ દૂર કરવામાં આવ્યું હતું.


મંદિરને અપવિત્ર કરાયું

એફઆઈઆરમાં દાખલ કરવામાં આવેલી વિગતો મુજબ રવિવારે સાંજે સાડા સાત કલાકની આજુબાજુ શ્રમિકો કામ કરીને જતા રહ્યા ત્યારે 10-15 લોકો અંદર ઘૂસી આવ્યા હતા અને માતામંદિરની ઇમારતને નુકસાન પહોંચાડ્યું હતું.

મંદિરનો દરવાજો તોડી નાખવામાં આવ્યો અને તેની સીડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, સાથે જ મંદિરને અપવિત્ર પણ કરવામાં આવ્યું હતું.

આ ઘટના વિશે જાણ થતાં શહેરના પોલીસવડા ભારે સુરક્ષાબળો સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા.

પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંદિરના જિર્ણોદ્ધારની કામગીરી ચાલી રહી હતી એટલે તેમાં પૂજા નહોતી થતી તથા કોઈ મૂર્તિ પણ મૂકવામાં આવી નહોતી તથા તેમાં કોઈ પણ જાતનું ધાર્મિક સાહિત્ય પણ મૂકવામાં નહોતું આવ્યું.

પાકિસ્તાનમાં લઘુમતીઓની સંપત્તિઓની જાળવણી માટેના ટ્રસ્ટ ઈટીપીબીના (ઇવૅક્યૂ ટ્રસ્ટ પ્રૉપર્ટી બોર્ડ) સહાયક સુરક્ષા અધિકારી સૈયદ રઝા અબ્બાસે ફરિયાદ દાખલ કરાવી હતી.


મંદિરની સુરક્ષાની માગ

https://twitter.com/PCMohanMP/status/1376522919040360448

સ્થાનિક વહીવટીતંત્રે દબાણ હઠાવ્યા બાદ આ મંદિર ઈટીપીબીને મરામત માટે સોંપ્યું હતું. દબાણકારોએ મંદિરની ચારેય બાજુ, અંદર તથા દરવાજા ઉપર કાપડબજાર ખોલી નાખ્યું હતું.

અબ્બાસે તેમના રિપોર્ટમાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ ઉપરાંત મંદિરની સુરક્ષાની માગ પણ કરી છે.

આ મંદિરમાં પૂજા થતી ન હોવા છતાં તેની ઉપરનું દબાણ હઠવાને કારણે તથા સમારકામની કામગીરી શરૂ થવાને કારણે સ્થાનિક હિંદુઓમાં ખુશીનો માહોલ હતો. તા. 25મી માર્ચે હિંદુઓએ અહીં હોળી પણ ઉજવી હતી.

રાવલપિંડીના સ્થાનિક વહીવટીતંત્રે શહેરના જૂના વિસ્તારને અગાઉના સ્વરૂપે પુનઃસ્થાપિત કરવા માટે સુજાનસિંહ હવેલીની આજુબાજુના એક કિલોમીટર વિસ્તારમાં આવેલાં મંદિરોના સમારકામનો નિર્ણય કર્યો હતો.

પુરાણા કિલ્લા વિસ્તારનું માતા મંદિર પણ આ સાત મંદિરોમાંથી એક છે. પાકિસ્તાનમાં 70 લાખ, જ્યારે રાવલપિંડીમાં બે હજાર હિંદુ રહે છે.


મંદિર ઉપર હુમલાનો ક્રમ

https://www.youtube.com/watch?v=HUGP_Yq8Yw4

ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ખૈબર પખ્તૂનખ્વાના કરક જિલ્લામાં એક હિંદુ સંતની સમાધિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

એક મૌલવીની ઉશ્કેરણી ઉપર કેટલાક લોકોએ આ સમાધિને ક્ષતિ પહોંચાડી હતી અને તેને અપવિત્ર કરી હતી.

આ કેસની પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે જાતે નોંધ લીધી હતી અને બે અઠવાડિયાંની અંદર સમાધિને ફરી સ્થાપિત કરવાના આદેશ આપ્યા હતા.

એ કિસ્સામાં મૌલવી સહિત અન્ય શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે સમાધિના સમારકામ માટે જિરગાની નિમણૂક કરી હતી અને તેને હિંદુઓ તથા મુસ્લિમો વચ્ચેના તણાવને દૂર કરવાની કામગીરી પણ સોંપી હતી.


'સરકાર હિંદુઓની રક્ષા કરશે'

ખૈબર પખ્તૂનખ્વા જિલ્લામાં એક હિંદુ સંતની સમાધી પર હુમલા પછીનું દૃશ્ય (ફાઇલ ફોટો)

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને પુનર્રોચ્ચાર કર્યો છે કે તેમની સરકાર લઘુમતીઓના અધિકારો તથા સુરક્ષા માટે વચનબદ્ધ છે.

ચાલુ વર્ષે તૂર્કીની એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે "અમારે ત્યાં લઘુમતી પણ મુસ્લિમ જેટલા જ પાકિસ્તાની નાગરિક છે, આથી તેમનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે."

હિંદુ સમુદાયના મુખ્ય સંરક્ષક ડૉ. રમેશ કુમારે તાજેતરની ઘટના બાદ કહ્યું હતું કે પાકિસ્તાનના બંધારણ મુજબ હિંદુઓને પણ સમાન અધિકાર મળેલા છે.

તેમના કહેવા પ્રમાણે, ઠહિંદુઓ સામેની છૂટક ઘટનાઓને બાકાત કરી દેવામાં આવે તો અમારી કેન્દ્રીય તથા રાજ્ય સરકારો હિંદુઓના હિતોના રક્ષણ માટે સદૈવ તત્પર છે."

"અગાઉ પણ આવી ઘટનાઓને સરકારે ગંભીરતાથી લીધી છે અને કાર્યવાહી કરી છે અને ભવિષ્યમાં પણ ગંભીરતાપૂર્વક લેવામાં આવશે."


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=JUeyXcAaGzs

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Pakistan: 100-year-old Hindu temple attacked
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X