કતરમાં ભારતીય પુર્વ નૌસૈનિકોની ફાંસી પર રોક લાગી, જાણો શું કહ્યું કતરે?
કતરમાં મોતની સજા પામેલા 8 પુર્વ ભારતીય નૌસૈનિકોને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, આ નૌસૈનિકોની સજા પર રોક લગાવાઈ છે.
ભારત સરકારની દખલ બાદ આ અધિકારીઓની મોતની સજા પર રોક લગાવાઈ છે. ગયા વર્ષે કતરમાં ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ ભારતીય નેવી અધિકારીઓને કતરની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી.

આ પછી ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે કતર સ્થિત કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે સજામાં ઘટાડો કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલય અને નેવી અધિકારીઓના પરિવારજનો માટે આ મોટી સફળતા છે.
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યુ કે, અમે દહરા ગ્લોબલ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નેવી ઓફિસર અંગેના નિર્ણયની નોંધ લીધી છે. સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમે કતરની કોર્ટ ઓફ અપીલના વિગતવાર નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. અમારું આગળનું પગલું શું હશે તે નક્કી કરવા અમે કાનૂની ટીમ તેમજ પરિવારના સભ્યો સાથે પણ સંપર્કમાં છીએ.
નિવેદનમાં આગળ કહેવાયુ છે કે, આજે કતર કોર્ટ ઓફ અપીલમાં અમારા રાજદૂત અને અન્ય અધિકારીઓ દોષિત અધિકારીના પરિવાર સાથે જોડાયા. અમે કેસની શરૂઆતથી તેમની સાથે ઉભા છીએ અને અમે તમામ સમર્થન આપવાનું ચાલુ રાખીશું.
અમે કતારના સત્તાવાળાઓ સાથે પણ આ મામલો ઉઠાવવાનું ચાલુ રાખીશું. મામલાની ગંભીરતા અને જરૂરી ગુપ્તતાને જોતાં આ સમયે વધુ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નથી.
જણાવી દઈએ કે, કતર કોર્ટે આ પૂર્વ નેવી અધિકારીઓને 26 ઓક્ટોબરે મોતની સજા સંભળાવી હતી. આ પછી, ભારતીય વિદેશ મંત્રાલયે નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને ખાતરી આપી કે સરકાર તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહી છે. આ પછી નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં ભારત સરકારે ફાંસીની સજા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
ભારતીય નૌસેનાના આઠ પૂર્વ અધિકારીઓ કતારમાં દેહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસ નામની કંપનીમાં કામ કરતા હતા. આ ભૂતપૂર્વ અધિકારીઓની ઓગસ્ટ 2022માં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર કથિત રીતે જાસૂસીનો આરોપ હતો.












Click it and Unblock the Notifications
