પાવન શ્રાવણ માસમાં એટલાન્ટામાં રહેતા ગુજરાતીઓએ કર્યો રુદ્રી પાઠ
શિવભક્તોનો પ્રિય માસ શ્રાવણ ચાલી રહ્યો છે ત્યારે અમેરિકાના એટલાન્ટામાં રહેતા ગુજરાતી સમાજ દ્વારા રૂદ્રી પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 ઓગસ્ટે યોજાયેલા રૂદ્રી પાઠમાં હજારોની સંખ્યામાં ગુજરાતીઓ જોડાયા હતા. કહેવાય છે ને કે "જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત." ગુજરાતી સમાજે આ કહેવતને જીવંત રાખી છે.
ગુજરાતી સમાજ એટલાન્ટાના પ્રેસિડેન્ટ નિશા પટેલે અમને જણાવ્યા મુજબ એટલાન્ટામાં યોજાયેલ રૂદ્રી પાઠમાં 1 હજાર જેટલા ગુજરાતીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને ભોળેનાથની આરાધના કરી હતી.

રૂદ્રી વિશે કહેવાય છે કે 'રુત દ્રાવ્યતિ ઈતિ રુદ્ર' અર્થ- રૂત એટલે દુઃખ અને દુઃનું કારણ, તેને જે દૂર કરે છે, નાશ કરે છે તે રૂદ્ર છે અને આવા શિવના રૂદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતી એ રુદ્રી છે. વેદોમાં રૂદ્રી અંગેના જે મંત્રો છે, તેને શુક્લ યજુર્વેદીય, કૃષ્ણ યજુર્વેદીય, રુગ્વેદીય મંત્રો કહે છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શુક્લ યજુર્વેદીય રૂદ્ર મંત્રો વધુ પ્રચલિત છે.

રૂદ્રી પાઠ સહિત ગુજરાતી સમાજ દ્વારા યોજવામાં આવતા તમામ કાર્યક્રમો સફળ થવા બદલ ગુજરાતી સમાજ એટલાન્ટાના પ્રેસિડેન્ટ નિશા પટેલે આભાર વ્યક્ત કરતા કહ્યું કે, "ગુજરાતી સમાજના સભ્યોએ ઘણાં વર્ષોથી વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો છે અને અમે આ વર્ષ અને આવનારા વર્ષોમાં અમારા તમામ આદરણીય સભ્યોની સેવા કરવાનું ચાલુ રાખવાનો પ્રયાસ કરીએ છીએ. વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર સભ્યો, તમામ મહેનતુ સ્વયંસેવકો કે જેમણે પ્રસંગોને આનંદપ્રદ બનાવવા માટે પોતાનો અમૂલ્ય સમય ફાળવ્યો અને તમામ પ્રાયોજકોનો આભાર. આ ઉપરાંત ઉદાર નાણાકીય સહાયતા પ્રદાન કરનાર તમામ દાતાઓનો તથા વિવિધ કાર્યક્રમો યોજવા માટે સતત પ્રયત્નશિલ અમારા કમિટીના સભ્યોનો પણ આભાર માનું છું."












Click it and Unblock the Notifications
