
નિષ્પક્ષ તપાસ માટે BCCI ચીફ શ્રીનિવાસને રાજીનામુ આપી દેવું જોઇએ: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 25 માર્ચ: આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસનને મંગળવારે જોરદાર ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસને નિષ્પક્ષ તપાસ કરવા માટે રાજીનામું આપી દેવું જોઇએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો ક્રિકેટની ગંદગીને સાફ કરવું હોય તો શ્રીનિવાસને રાજીનામુ આપવું જરૂરી છે.
જસ્ટિસ મુદગલ કમિટિના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટે સુનિવણી દરમિયાન જણાવ્યું કે શ્રીનિવાસનના રહેતા આ મામલામાં સાચી અને નિષ્પક્ષ તપાસ સંભવ નથી. અને શ્રીનીવાસને પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દેવું જોઇએ.
અત્રે નોંધનીય છે કે મુદગલ કમિટિએ જે રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સોંપ્યો છે, તેમાં ચેન્નાઇ સુપર કિંગ્સના ગુરુનાથ મયપ્પનને ક્લી ચિટ આપવાનો ઇનકાર કરી દીધો હતો. પહેલા આ સુનાવણી 7 માર્ચના રોજ થવાની હતી, જેને બાદમાં ટાળી દેવામાં આવી કારણ કે બીસીસીઆઇએ પોતાની તરફથી 33 પાનાંનું એક સોગંધનામું દાખલ કરતા કોર્ટને એવી અપીલ કરી હતી કે કોઇ તથ્યો કે પુરાવા વગર ખેલાડીઓના નામ જાહેર કરવા યોગ્ય નથી.