commonwealth games 2030 : અમદાવાદ 2030ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે તૈયાર, IOAએ મંજુરી આપી
commonwealth games 2030 : ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતની બિડને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે.
બુધવારે યોજાયેલી વિશેષ સામાન્ય સભા (SGM) માં આ પ્રસ્તાવને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરની આ પ્રતિષ્ઠિત રમતગમત સ્પર્ધાની યજમાની માટે અમદાવાદ શહેરને સંભવિત યજમાન શહેર તરીકે પ્રસ્તાવિત કરાયુ છે.

ભારતે 2030ની ગેમ્સ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) એટલે કે રસ દર્શાવતો પત્ર પહેલાથી જ સુપરત કરી દીધો છે. હવે દેશ પાસે 31 ઓગસ્ટની અંતિમ તારીખ સુધીમાં પોતાના અંતિમ બિડ દસ્તાવેજો જમા કરાવવા માટેનો સમય છે.
આ રેસમાં ભારતની જીતની શક્યતાઓ ખૂબ વધી ગઈ છે, ખાસ કરીને કેનેડાએ પોતાની દાવેદારી પાછી ખેંચી લેતા આ ચાન્સ વધી ગયા છે.
કોમનવેલ્થ સ્પોર્ટ્સના ડાયરેક્ટર ઓફ ગેમ્સ ડેરેન હોલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે તાજેતરમાં અમદાવાદની મુલાકાત લીધી હતી.
આ ટીમે શહેરના સંભવિત સ્પોર્ટ્સ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ટૂંક સમયમાં જ કોમનવેલ્થ સ્પોર્ટ્સનું એક મોટું પ્રતિનિધિમંડળ પણ ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાતો અમદાવાદની સુવિધાઓ અને તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે અત્યંત મહત્ત્વની છે.
આખરી યજમાન દેશનો નિર્ણય નવેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં ગ્લાસગો ખાતે યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સની જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે.
ભારતે અગાઉ 2010માં દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સની સફળ યજમાની કરી હતી, જેનો અનુભવ ભારત માટે એક હકારાત્મક પાસું છે. જો અમદાવાદને યજમાની મળે તો તે ગુજરાત અને સમગ્ર ભારત માટે ગૌરવની વાત હશે.












Click it and Unblock the Notifications
