આ છે ભારત-પાક. વચ્ચેની પાંચ હાઈવોલ્ટેજ મેચ
યુએઈમાં એશિયાકપની શરૂઆત થઈ ચૂકી છે. ભારત પોતાની પહેલી મેચ હોંગકોંગ સામે રમી રહ્યું છે.
યુએઈમાં એશિયાકપની શરૂઆત થઈ ચૂકી છે. ભારત પોતાની પહેલી મેચ હોંગકોંગ સામે રમી રહ્યું છે. 28 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 19 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન ટકરાશે. બંને કટ્ટર હરીફો વચ્ચે ઘણી યાદગાર મેચ રમાઈ ચૂકી છે.
ચાલો જાણી કે આ પાંચ રોમાંચક મુકાબલામાં આખરે કોણ જીત્યું?

1. 2003 વર્લ્ડકપ, સેન્ચ્યુરિયન
2003ના વર્લ્ડકપમાં ભારત ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું. જો કે આ પહેલા લીગ મેચમાં ભારતે કટ્ટર હરીફ એવા પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચમાં પહેલી બેટિંગ કરી રહેલા પાકિસ્તાને સઈદ અનવરની સેન્ચ્યુરીના કારણે 273 રનનો ટાર્ગેટ આપ્યો. બાદમાં જ્યારે ટીમ ઈન્ડિયાએ બેટિંગ શરૂ કરી તો શોએબ અખ્તર અને વકાર યુનુસના હોશ ઉડી ગયા. સચિન તેન્ડુલકરે બંનેની જબરજસ્ત ધોલાઈ કરી 98 રનની ધમાકેદાર ઈનિંગ રમી. 4 ઓવર બાકી રાખીને ભારતે આ મેચ જીતી લીધી.

2. ભારત પાક વન-ડે સિરીઝ 2003-04
આ વન ડે સિરીઝની કરાંચીમાં રમાયેલી વન ડે રોમાંચક રહી હતી. પહેલી બેટિંગ કરતા ભારત તરફથી વિરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડે કમાલની ઈનિંગ રમી. જેને કારણે 50 ઓવરના અંતે ભારતે 349 રન બનાવ્યા. મેચ ભારતની હાથમાં હતી. પરંતુ ઈન્ઝમામ ઉલ હકે ક્રિઝ પર આવી ભારતીય બોલરોના શ્વાસ અદ્ધર કરી દીધા. ઈન્ઝમામ ઉલ હકે સેન્ચ્યુરી મારીને પાકિસ્તાનને જીતની નજીક પહોંચાડ્યું. જો કે આ નેલ બાઈટિંગ મેચ ભારત 5 રને જીત્યું હતું.

3. વર્લ્ડ કપ 2011 સેમી ફાઈનલ
આ મેચ તો તમને યાદ જ હશે. 2011નો વર્લ્ડ કપ જીતતા પહેલા સેમીફાઈનલમાં ભારત અને પાકિસ્તાન ટકરાયા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 260 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય બોલરોએ પાકિસ્તાનને 231 ઓલઆઉટ કરીને મેચ જીતી લીધી હતી.

4. 2007 પ્રથમ ટી 20 વર્લ્ડ કપ ગ્રુપ મેચ
2007માં પ્રથમ ટી 20 વર્લ્ડ કપ રમવા ગયેલી ભારતીય ટીમ સાવ નવીસવી હતી. સિનિયર્સ નહોતા રમી રહ્યા. તેમાંય ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં પ્રેશર પણ વધુ હતું. મહેન્દ્રસિંહ ધોની માટે કેપ્ટન તરીકે આ પહેલી ટુર્નામેન્ટ હતી. ગ્રુપ મેચમાં ભારત અને પાકિસ્તાન ટકરાયા. ખૂબ જ રોમાંચક ઉતાર ચડાવ બાદ આખરે મેચમાં ટાઈ પડી. 2007માં રમાયેલા પહેલા વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન વચ્ચેના ગ્રુપ મેચમાં પહેલીવાર એક નવો નિયમ હતો. ટાઈ થયા બાદ બોલઆઉટથી પરિણામ નક્કી થયું. આ મેચમાં ભારતે બોલઆઉટમાં પાકિસ્તાનને હરાવ્યું.

5. 2007 વર્લ્ડ ટી 20 ફાઈનલ મેચ
2007ના જ પહેલા ટી20 વર્લ્ડકપની ફાઈનલ કદાચ અત્યાર સુધી રમાયેલી ભારત પાકિસ્તાન વચ્ચેની સૌથી વધુ રોમાંચક મેચ છે. ફાઈનલમાં ભારતે પહેલી બેટિંગ કરતા 6 વિકેટે 157 રન બનાવ્યા હતા. જે ખાસ મોટો ટાર્ગેટ ન હતો. એટલે ફેન્સ ચિંતિત હતા. તેમાંય મિસ્બાહ ઉલ હક 43 રન સાથે ક્રીઝ પર હતા. પાકિસ્તાનને જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. મહેન્દ્રસિંહ ધોનીએ જોગિંદર શર્માના હાથમાં બોલ આપ્યો. અને ત્રીજા જ બોલે મિસ્બાહ ઉલ હકે સ્ટમ્પ પાછળ મારવાના ચક્કરમાં કેચ ઉછાળ્યો. આ સુપર્બ રોમાંચક મેચ જીતીને ભારતે પહેલો ટી 20 વર્લ્ડ કપ પણ પોતાના નામે કરી લીધો.
આ રોમાંચક મેચમાં ભારતે 5 રનથી મેચ જીતીને પહેલો ટી 20 વર્લ્ડકપ પણ જીતી લીધો.












Click it and Unblock the Notifications
