IPL 2023 Final, GT vs CSK: સુદર્શનની તોફાની બેટિંગ, ચેન્નાઇને મળ્યુ 215 રનનુ લક્ષ્ય
IPL 2023ની ફાઇનલમાં આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કરી રહી છે. આજે ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 214 રન બનાવ્યા હતા. ચેન્નાઇ સામે ફાઇનલમાં આ સ્કોર અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.

ગુજરાતના ઓપનર બેટ્સમેન શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ સારી શરૂઆત કરી હતી. રિદ્ધિમાન સાહાએ 39 બોલમાં 1 સિક્સ અને 5 ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શુભમન ગિલે 20 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 39 રન બનાવી મહેન્દ્ર સિંહ ધોનીના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો.
આ સાથે સાંઇ સુદર્શનની વાત કરીયે તો તે ગુજરાતનો તારણહાર બન્યો હતો. સાંઇ સુદર્શને ગુજરાતને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. સુદર્શને તોફાની બેટિંગ કરતા સુદર્શને 47 બોલમાં 96 રન બનાવ્યા હતા. જેમાં 6 સિક્સર અને 8 ફોરનો સમાવેશ થાય છે. આ સાથે સુદર્શન પથિરાણાના બોલ પર Lbw આઉટ થયો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 21 રન બનાવ્યા હતા.
ચેન્નાઇના બોલરોની વાત કરીયે તો તુષાર દેશપાંડે સૌથી મોઘો સાબિત થયો હતો. દેશપાંડેએ 4 ઓવરમાં 56 રન આપ્યા હતા તથા એક પણ વિકેટ મળી ન હતી. આ સાથે દિપક ચહરે 4 ઓવરમાં 38 રન આપી 1 વિકેટ ઝડપી હતી તથા રવિન્દ્ર જાડેજાએ પણ 4 ઓવરમાં 38 રન આપી 1 વિકેટ ખેરવી હતી.
આ ઉપરાંત મહિશ તિક્ષણાને વિકેટ મળી ન હતી. મહિશ તિક્ષણાએ 4 ઓવરમાં 36 રન આપ્યા હતા. મથિશા પથિરાણાને 2 વિકેટ મળી હતી. પથિરાણાએ 4 ઓવરમાં 44 રન આપ્યા હતા.












Click it and Unblock the Notifications
