IPL Auction 2026 : કોણ છે આઈપીએલ ઓક્શનનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી કાર્તિક શર્મા?
અબુ ધાબીમાં ચાલી રહેલા IPL 2026ના મિની-ઓક્શનમાં, 19 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન કાર્તિક શર્મા સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો છે. તેના વિશે એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી અને ચેન્નઈ સુપર કિંગ્સે તેને 14.20 કરોડમાં ખરીદી લીધો. તે પ્રશાંત વીર સાથે સંયુક્ત રીતે આ ઓક્શનમાં સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો છે.

કાર્તિક શર્માએ સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં દમદાર પ્રદર્શન કરતા પૂર્વ ક્રિકેટ દિગ્ગજોનું ધ્યાન ખેંચ્યું હતું. કેવિન પીટરસન, રવિચંદ્રન અશ્વિન અને આકાશ ચોપરા જેવા ખેલાડીઓએ તેની બેટિંગના વખાણ કર્યા હતા. ખાસ કરીને, પીટરસન તેની છગ્ગા મારવાની ક્ષમતાથી પ્રભાવિત થઈ 20 નવેમ્બરે એક વીડિયો શેર કરી પૂછ્યું હતું કે, "આ કોણ છે?"
માત્ર T20 જ નહીં, કાર્તિકે 2025-26ની રણજી ટ્રોફીમાં ત્રણ સદી ફટકારી છે. દિગ્ગજ સ્પિનર આર. અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર તેને યુવાન અને બોજ-મુક્ત ગણાવ્યો હતો. અશ્વિને ઉમેર્યું કે, T20માં મધ્યક્રમમાં આવીને પ્રભાવ પાડવો સરળ નથી, પરંતુ શર્મા આ કામ બખૂબી કરે છે.
ક્રિકેટ વિશ્લેષક આકાશ ચોપરાએ તો કાર્તિક શર્મા માટે ટીમો વચ્ચે ખરીદ-યુદ્ધની ભવિષ્યવાણી કરી હતી. 19 વર્ષીય કાર્તિકે ત્રણેય ફોર્મેટમાં પ્રભાવ પાડ્યો છે, પરંતુ તેને T20 ક્રિકેટ વિશેષ પસંદ છે, જેના આંકડા પણ તેની સાબિતી આપે છે.
તેણે અત્યાર સુધી 12 T20 મેચમાં 164ના સ્ટ્રાઈક રેટથી 334 રન બનાવ્યા છે, જેમાં 28 છગ્ગાનો સમાવેશ થાય છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ કાર્તિકે પાંચ મેચમાં 160થી વધુના સ્ટ્રાઈક રેટથી 135 રન બનાવી દર્શકોના દિલ જીત્યા હતા. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પોતાની દરેક ઇનિંગ્સમાં ચોગ્ગા કરતાં વધુ છગ્ગા ફટકારે છે.












Click it and Unblock the Notifications
