T20 World Cup 2026 Format: દરેક ટીમ કેટલી મેચ રમશે અને કેટલી થશે કમાણી? સમજો ટી-20 વર્લ્ડ કપનું પૂરું ગણિત
T20 World Cup 2026 Format Explained: ક્રિકેટના સૌથી ટૂંકા અને રોમાંચક ફોર્મેટમાં 20 ટીમો જંગ માટે તૈયાર છે. ભારત અને શ્રીલંકામાં ટી-20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) શનિવાર એટલે કે 7 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં ફરી એકવાર વિશ્વની 20 સફળ ટીમો ખિતાબ માટે સામસામે ટકરાશે.

અગાઉની જેમ જ રમાશે તમામ મેચો (T20 World Cup 2026 Format Explained)
અમદાવાદમાં 8 માર્ચના રોજ યોજાનારા ફાઈનલ સુધી કુલ 55 મેચો રમાશે. એકતરફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને અનિશ્ચિતતા યથાવત છે, ત્યારે બીજી તરફ ICC અને આયોજકોએ ટૂર્નામેન્ટના માળખાને અંતિમ ઓપ આપી દીધો છે. વર્ષ 2026ના ટી-20 વર્લ્ડ કપનું ફોર્મેટ 2024ની આવૃત્તિ જેવું જ રાખવામાં આવ્યું છે, જેને ત્રણ મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવ્યું છે.
20 ટીમો ચાર ગ્રુપમાં વહેંચાયેલી છે
ગ્રુપ સ્ટેજમાં તમામ 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રુપ (A, B, C, D) માં વહેંચવામાં આવી છે. દરેક ટીમ પોતાના ગ્રુપની અન્ય ચાર ટીમો સાથે એક-એક મેચ (રાઉન્ડ-રોબિન) રમશે. દરેક ગ્રુપમાંથી ટોપ-2 ટીમો 'સુપર 8' તબક્કા માટે ક્વોલિફાય થશે. સુપર 8 માં ક્વોલિફાય થનારી આઠ ટીમોને ફરીથી ચાર-ચારના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ખાસ વાત એ છે કે ICC રેન્કિંગના આધારે ટીમોને અગાઉથી જ 'સીડ' (જેમ કે ભારત X1, ઓસ્ટ્રેલિયા X2) આપવામાં આવી છે.
દરેક ટીમ કેટલી મેચ રમશે?
સુપર 8 બાદ નોકઆઉટમાં બે સેમીફાઈનલ મુકાબલા અને અંતે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે. ટૂર્નામેન્ટના માળખા મુજબ, દરેક ટીમ કેટલી મેચ રમશે તે તેના પ્રદર્શન પર નિર્ભર રહેશે:
- ગ્રુપ સ્ટેજમાંથી બહાર થનાર ટીમ: ઓછામાં ઓછી 4 મેચ.
- સુપર 8 સુધી પહોંચનાર ટીમ: 7 મેચ.
- સેમીફાઈનલિસ્ટ: 8 મેચ.
- ફાઈનલિસ્ટ: સૌથી વધુ કુલ 9 મેચ.
કઈ ટીમને કેટલા પૈસા મળશે?
ટી-20 વર્લ્ડ કપ 2026 માટે સત્તાવાર પ્રાઈઝ પૂલની જાહેરાત હજુ બાકી છે, પરંતુ ગત વખતે વિજેતા ટીમને અંદાજે 2.45 મિલિયન ડોલર (આશરે 20 કરોડથી વધુ) મળ્યા હતા. રનર્સ-અપ (ઉપવિજેતા) ટીમને ઓછામાં ઓછા 1.28 મિલિયન ડોલર મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત, સેમીફાઈનલ અને ફાઈનલ સિવાયની દરેક મેચ જીતવા પર ટીમોને વધારાની પ્રોત્સાહન રકમ (મેચ દીઠ આશરે 26 લાખ રૂપિયા) આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
