Women's world cup 2025 : ઇંગ્લેન્ડ સામે હાર બાદ પણ ભારત પહોંચી શકે છે સેમિફાઇનલમાં, જાણો સમીકરમ
Women's world cup 2025 : સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને હવે ઇંગ્લેન્ડ એમ સતત ત્રણ મેચમાં પરાજય બાદ ICC મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનું અભિયાન જોખમમાં છે.
રવિવારે ઇન્દોરમાં રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય ટીમને માત્ર ૪ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એક સમયે ભારતીય ટીમ આ મેચ આસાનીથી જીતી રહી હતી, પરંતુ હરમનપ્રીત કૌરની ટીમે કેટલાક ખરાબ શોટ્સ રમતાં જીતેલો મેચ હાથમાંથી સરકી ગયો.

આ હાર બાદ સૌથી મોટો સવાલ એ છે કે શું ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી શકશે? જવાબ છે હા, ભારતીય ટીમ હજી પણ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ શકે છે.
સેમિફાઇનલ સમીકરણ
- ઇંગ્લેન્ડ સામેની હાર છતાં ભારતના પાંચ મેચોમાં ૪ પોઇન્ટ છે અને તે હજી પણ ચોથા ક્રમે છે. ન્યૂઝીલેન્ડના પણ ૪ પોઇન્ટ છે પરંતુ તેનો નેટ રનરેટ ભારત કરતાં ઓછો છે.
- ટીમ ઇન્ડિયા માટે સેમિફાઇનલમાં પહોંચવાનો સૌથી સરળ માર્ગ તેની બાકીની બંને મેચ જીતવાનો છે. ભારતીય ટીમને હવે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે રમવાનું છે. આ બંને મેચ જીતતાં જ ટીમ ઇન્ડિયા સીધી સેમિફાઇનલમાં પહોંચી જશે.
- જો ભારતીય ટીમ આગામી બે મેચમાંથી એકમાં હારી જાય છે તો તેનું ક્વોલિફિકેશન ન્યૂઝીલેન્ડના પરિણામો પર નિર્ભર રહેશે. આ સ્થિતિમાં ભારતે જીતેલી મેચ પણ મોટા અંતરથી જીતવી પડશે અને ન્યૂઝીલેન્ડની હાર માટે પ્રાર્થના કરવી પડશે, જેથી નેટ રનરેટમાં ફાયદો મળી શકે.
ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત ૫૦ ઓવરમાં ૨૮૮ રન બનાવ્યા હતા. કેપ્ટન હેધર નાઈટે માત્ર ૯૧ બોલમાં ૧૦૯ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે વિકેટકીપર એમી જોન્સે ૫૬ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી દીપ્તિ શર્માએ ૪ અને શ્રી ચરણીએ ૨ વિકેટ ઝડપી હતી.
૨૮૯ રનના લક્ષ્યનો પીછો કરતાં ભારતે જોરદાર લડત આપી. સ્મૃતિ મંધાનાએ ૮૮, હરમનપ્રીત કૌરે ૭૦ અને દીપ્તિ શર્માએ ૫૦ રનની ઉપયોગી ઇનિંગ્સ રમી, પરંતુ તેમ છતાં ટીમ ઇન્ડિયા જીતથી માત્ર ૪ રન દૂર રહી ગઈ. જો કે, આ પરાજય બાદ પણ ભારતીય ટીમ પાસે વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચવાની તક હજી પણ અકબંધ છે.












Click it and Unblock the Notifications
