વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપઃ શું છે ટેસ્ટ ક્રિકેટ 'વર્લ્ડ કપ', જાણો બધું જ
ક્રિકેટમાં રોજ બદલાતા નિયમ અને ટી 20 ક્રિકેટ આવ્યા છતાંય આજે પણ ટેસ્ટ ક્રિકેટને બેસ્ટ કહેવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં બૉલર અને બેટ્સમેન વચ્ચેની ટક્કર જોવાલાયક હોય છે.
ક્રિકેટમાં રોજ બદલાતા નિયમ અને ટી 20 ક્રિકેટ આવ્યા છતાંય આજે પણ ટેસ્ટ ક્રિકેટને બેસ્ટ કહેવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં બૉલર અને બેટ્સમેન વચ્ચેની ટક્કર જોવાલાયક હોય છે. 5 દિવસીય આ મેચનો રોમાંચ અને ઝનુન આજે પણ વન ડે અને ટી 20 કરતા જુદો જ આનંદ આપે છે. સામાન્ય લોકોની ભાષામાં કહીએ તો જો તમારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને સમજવી હોય તો તેને ટેસ્ટ ક્રિકેટનો વર્લ્ડ કપ કહી શકાય. ICCએ ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા વધારવા માટે આ ફોર્મેટમાં પણ વર્લ્ડ કપ સામેલ કરવા માટે આ ઈવેન્ટ ગોઠવી છે. જાણો 2 વર્ષ સુધી ચાલનારી આ ઈવેન્ટના નિયમ શું છે.
આ પણ વાંચો: ICCએ ક્રિકેટના નિયમોમા કર્યા મહત્વપૂર્ણ બદલાવ, 12મો ખેલાડી પણ રમી શકશે

10 વર્ષથી ચાલતી હતી કોશિશ
ટેસ્ટ ચેમ્પિયનશિપ કોઈ બે દેશ વચ્ચે રમાનારી સામાન્ય ટેસ્ટ સિરીઝ નથી. આ ઈવેન્ટમાં ટેસ્ટ મેચ રમતી 9 ટીમો સામેલ છે. જે આગામી 2 વર્ષ સુધી જુદા જુદા દેશ અને વેન્યુમાં ટેસ્ટ ક્રિકેટ રમશે. આ ઈવેન્ટની છેલ્લી મેચમાં આ ચેમ્પિયનશિપના વિનર જાહેર કરાશે. આઈસીસીએ આ ઈવેન્ટની કલ્પના 2009માં કરી હતી. તેને 2010માં મંજૂરી મળી. 2013માં તેના પહેલા સંસ્કરણને મંજૂરી મળી, પરંતુ કોઈ કારણથી તેને 2017 સુધી અટકાવી દેવાઈ. છેલ્લે નિર્ણય કરાયો કે આ ટુર્નામેન્ટ 1 ઓગસ્ટ 2019થી 30 એપ્રિલ 2021 સુધી રમાશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શું છે
બે દેશ વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝને વધુ રસપ્રદ બનાવવા માટે ICCએ આ ઈવેન્ટમાં નવા નિયમ રજૂ કર્યા છે. ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી મેચ 1 ઓગસ્ટે રમાશે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી એશિઝ સાથે આ ટુર્નામેન્ટ શરૂ થશે. જેની પહેલી ટેસ્ટ એજબેસ્ટોનમાં રમાશે. ODIની રીતે આ ચેમ્પિયનશિપમાં ખેલાડીઓની જર્સી પર તેમના નામ અને જર્સી નંબર લખેલો હશે. તાજેતરમાં જ ઈંગ્લેન્ડની ટીમના કેટલાક ખેલાડીઓએ નવી જરસીમાં સાથે ફોટોઝ પોસ્ટ કર્યા હતા.

કઈ ટીમો ક્યાં અને કેવી રીતે રમશે
આઈસીસીની આ મેગા ઈવેન્ટમાં ટેસ્ટ રેન્કિંગમાં સામેલ ટોચની 9 ટીમો રમશે. ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ આ ઈવેન્ટમાં રમશે. એશિઝ ઉપરાંત વિન્ડીઝ અને બારત વચ્ચે રમાનારી બે ટેસ્ટની સિરીઝ પણ તેનો ભાગ હશે. બે વર્ષના આ મેગા ઈવેન્ટ દરમિયાન તમામ 9 ટીમો 3 મેચ ઘર આંગણે અને ત્રણ વિદેશમાં રમશે. આ ચેમ્પિયનશિપ અંતર્ગત રમાનારી સિરીઝમાં ટીમોએ ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 5 ટેસ્ટ રમવી પડશે.

ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ક્યારે ક્યારે છે ભારતની મેચ
ટીમ ઈન્ડિયાન આ ઈવેન્ટમાં વિન્ડિઝ પ્રવાસ દરમિયાન 2 ટેસ્ટ રમશે. તો ઘર આંગણે ઓક્ટોબર નવેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે 3 ટેસ્ટ રમશે. નવેમ્બરમાં બાંગ્લાદેશ સામે ઘર આંગણે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. ફેબ્રુઆરી 2020માં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ જશે, જ્યાં 2 ટેસ્ટ મેચ રમશે. ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ચાર ટેસ્ટ મેચ રમશે. જાન્યુઆરી ફેબ્રુઆરી 2021માં ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં 5 ટેસ્ટ રમશે.

કેવી રીતે ગણાશે પોઈન્ટ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં દરેક ટેસ્ટ સિરીઝ 120 પોઈન્ટની હશે. જો સિરીઝ 2 મેચની હોય તો 60 પોઈન્ટ હશે. 3 ટેસ્ટની સિરીઝ થવા પર 40 પોઈન્ટ અને 4 ટેસ્ટ મેચ થવા પર 30 પોઈન્ટ અને 5 ટેસ્ટ મેચની સિરીઝ હોય તો દરેક મેચ 24 પોઈન્ટની હશે. સિરીઝમાં મેચની સંખ્યા પ્રમાણે જીતનારી ટીમને પોઈન્ટ મળશે. 2 મેચની સિરીઝ જીતનારી ટીમને 60 પોઈન્ટ મળશે. ટાઈ મેચ પર 30 અને ડ્રો મેચ પર 20 પોઈન્ટ મળશે. હારનારી ટીમને કોઈ પોઈન્ટ નથી. ટેસ્ટ સિરીઝની કુલ મેચ પ્રમાણે જીત, ટાઈ અને ડ્રોના અંક વહેંચવામાં આવશે. આ ઈવેન્ટમાં એક ટીમ વધુમાં વધુ 720 પોઈન્ટ મેળવી શક્શે. બે વર્ષના અંતે પોઈન્ટ્સ પ્રમાણે બે બેસ્ટ ટીમો વચ્ચે ઈંગ્લેન્ડમાં જૂન 2021માં ફાઈનલ રમાશે. ટીમ ઈન્ડિયા આ ચેમ્પિયનશિપ માટે 22 ઓગસ્ટે વિન્ડિઝમાં પહેલી મેચ રમશે.












Click it and Unblock the Notifications
