CWG 2022 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કમાલ, ઇંગ્લેન્ડને હરાવી ફાઇનલમાં પહોંચી!
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પહોંચી ગઇ છે. સેમીફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 4 રને હરાવ્યું.
નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પહોંચી ગઇ છે. સેમીફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 4 રને હરાવ્યું. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સ્મૃતિ મંધાનાની શાનદાર ઇનિંગની મદદથી ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લિશ ટીમ 6 વિકેટના નુકસાને 160 રન જ બનાવી શકી હતી. ઈંગ્લિશ કેપ્ટન નતાલી સાયવરે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા.

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. મંધાના અને શેફાલીએ પ્રથમ વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી. મંધાનાએ 32 બોલમાં 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તેના સિવાય શેફાલી વર્માએ 15, હરમનપ્રીત કૌરે 20, પૂજા વસ્ત્રાકરે 0 અને દીપ્તિ શર્માએ 22 રન બનાવ્યા હતા. જેમિમા રોડ્રિગ્સ 44 રને અણનમ રહી હતી. ઈંગ્લેન્ડ તરફથી કેથરીન બ્રન્ટ, નતાલી સાયવરે 1-1 જ્યારે ફ્રેયા કેમ્પે 2 વિકેટ લીધી હતી.
165 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લિશ ટીમની શરૂઆત ખાસ રહી ન હતી. સોફિયા ડંકલે ત્રીજી ઓવરના છેલ્લા બોલે 19 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ પછી ડેનિયલ વ્યાટે 27 બોલમાં 35 રન, એલિસ કેપ્સીએ 8 બોલમાં 13 રન, નતાલી સ્કિવરે 43 બોલમાં 41 રન, એમી જોન્સે 24 બોલમાં 31 રન બનાવ્યા હતા. માયા બાઉચિયર 4 અને સોફી એક્લેસ્ટોન 7 રન બનાવીને અણનમ રહ્યા હતા. ભારત તરફથી સ્નેહ રાણાએ 2 અને દીપ્તિ શર્માએ 1 વિકેટ ઝડપી હતી.












Click it and Unblock the Notifications
