World Cup 2023 : રચિન રવિન્દ્રનું નામ સચિન અને દ્રવિડના નામ પર રખાયુ છે? જાણો શું કહ્યું તેના પિતાએ?
ભારતમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. આ વખતે ન્યૂઝીલેન્ડ માટે રચિન રવિન્દ્ર સ્ટાર ખેલાડી બનીને સામે આવ્યો છે.
વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરીને રચિન રવિન્દ્રએ બેટથી વિરોધીઓને ફટકાર્યા છે. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં રવિન્દ્રનું નામ ત્રીજા સ્થાને છે. તે ટીમ માટે શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહ્યો છે.

રચિન રવિન્દ્રના નામ બાબતે સોશિયલ મીડિયામાં ધણી ચર્ચા થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, સચિન અને રાહુલ દ્રવિડના નામ ભેગા કરીને રચિનનું નામ રાખવામાં આવ્યું છે. હવે આ બાબતે રચિન રવિન્દ્રના પિતાએ મોટો ખુલાસો કર્યો છે.
રચિનના પિતા રવિ કૃષ્ણમૂર્તિએ પુત્રના નામને લઈને આખી વાતનો ખુલાસો કર્યો છે. હકિકતમાં રચિનનું નામ તેના પિતાએ નહિ પણ તેની માતાએ આપ્યું છે.. રચિનની માતાએ આ નામ સૂચવ્યું હતું.
ધ પ્રિન્ટ સાથે વાત કરતા રવિન્દ્રના પિતાએ કહ્યું કે, રચિનના જન્મ પછી મારી પત્નીએ મને નામ વિશે જણાવ્યું અને અમે આ નામ વધારે ચર્ચા કર્યા વિના રાખી દીધુ. રચિનનું નામ કૉલિંગ અને ઉચ્ચારમાં સારું લાગતું હતું અને તે ટૂંકું પણ હતું તેથી રાખ્યું હતું.
પાછળથી અમને ખબર પડી કે આ નામ સચિન અને રાહુલનું મિશ્રણ છે. અમારા બાળકને ક્રિકેટર બનાવવાના હેતુથી આ નામ આપવામાં આવ્યું નથી.
જણાવી દઈએ કે, રચિન રવિન્દ્રના મૂળ ભારત સાથે જોડાયેલા છે. તેના દાદા અને દાદી બેંગલુરુમાં રહે છે. વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શને ભારતમાં તેની મોટી ફેન ફોલોઈંગ ઉભી કરી છે.
વિરાટ કોહલી અને ક્વિન્ટન ડી કોક પછી રચિન વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે અત્યાર સુધીમાં કુલ 564 રન બનાવ્યા છે. કિવી ટીમને સેમીફાઈનલમાં લઈ જવામાં રચિને મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે 2021માં ન્યૂઝીલેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું અને તેના પહેલા જ વર્લ્ડ કપમાં ધમાલ મચાવી છે.












Click it and Unblock the Notifications
