Dussehra 2023: આ સ્થળો પર થાય છે અનોખી રીતે રાવણ દહન, દેશ-વિદેશથી જોવા આવે છે લોકો
Dussehra 2023: દેશ અને દુનિયામાં દશેરાના પાવન પર્વની ઉજવણી ધુમધામથી ઉજવવામાં આવે છે. દશેરાનો તહેવાર સમગ્ર ભારતમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. દેશના ઘણા સ્થળો પર દશેરાના તહેવારને હર્ષોલ્લાસ અને ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવે છે.
લાખો પ્રવાસીઓ વિજયાદશમીની ઉજવણીમાં ભાગ લેવા અને દશેરાના આ પવિત્ર તહેવારની ઉજવણી કરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરે છે.

દેશના ઘણા સ્થળોએ દશેરાને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે, જેમાં વિજ્યાદશમી, દશેરા, દશૈન વગેરેનો સમાવેશ થાય છે. દર વર્ષે નવરાત્રીના અંતે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આ અહેવાલમાં જાણીશું કે, દેશના આ લોકપ્રિય સ્થળોએ દશેરાનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે.
બસ્તર - છત્તીસગઢના બસ્તર જિલ્લાનો દશેરા માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. બસ્તરમાં આ તહેવાર જે રીતે ઉજવવામાં આવે છે તે માત્ર અનોખો જ નથી, પરંતુ વિશ્વનો સૌથી લાંબો તહેવાર પણ બની જાય છે. સામાન્ય રીતે આ તહેવાર 75 દિવસ સુધી ચાલે છે, પરંતુ આ વખતે આ તહેવાર 107 દિવસ સુધી ઉજવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે બસ્તર દશેરાની શરૂઆત 17 જુલાઈથી પાઠ જાત્રા વિધિ સાથે થઈ હતી. આવા સમયે, રથ બનાવવાનું કામ 27 સપ્ટેમ્બરથી દેરી ગડાઈ વિધિથી શરૂ થયું હતું, જ્યારે દશેરાની શરૂઆત 14 ઓક્ટોબરના રોજ કાચનગડી વિધિથી થઈ હતી. આ દિવસે કાચન ગુડી દેવીની વિશેષ પૂજા કરવામાં આવે છે.
કોલકાતા - પશ્ચિમ બંગાળમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં દુર્ગા પૂજાનું એક અલગ જ મહત્વ છે. નવરાત્રીના દિવસોમાં, બંગાળમાં વિવિધ સ્થળોએ પૂજા પંડાલો ભવ્યતા સાથે બનાવવામાં આવે છે. જોકે, પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
કોલકત્તા વિવિધ થીમ પર પંડાલ બનાવવામાં આવે છે અને મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. પંડાલના દર્શન કરવા માટે દેશ-વિદેશથી પણ ભક્તો અહીં આવે છે.
પશ્ચિમ બંગાળમાં, દશેરાના છેલ્લા દિવસે સિંદૂર ખેલાની ખૂબ જૂની પરંપરા છે, જેમાં મહિલાઓ એકબીજાને સિંદૂર લગાવે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. સિંદૂર ખેલા માતાની વિદાયને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે. મહા આરતી પછી, પરિણીત મહિલાઓ દેવીના કપાળ અને પગ પર સિંદૂર લગાવે છે અને ત્યારબાદ એકબીજાને સિંદૂર લગાવવાની પરંપરા છે.
વારાણસી - ઉત્તર પ્રદેશના વારાણસીમાં દશેરા ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં રામલીલાનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે લાખો ભક્તો દૂર દૂરથી અહીં રામલીલા જોવા આવે છે. વારાણસીમાં રામલીલા દરમિયાન અયોધ્યા, લંકા અને અશોક વાટિકાના દ્રશ્યો સર્જાય છે, જેને જોવા લોકો દૂર-દૂરથી આવે છે.
વારાણસીમાં ઘણા કલાકારો રામલીલાના પાઠ કરે છે અને તેમની કલા પ્રદર્શિત કરે છે. વારાણસીમાં રાવણના પરિવારના ઘણા સભ્યોના પૂતળા બાળવામાં આવ્યા છે. અહીં રાવણ, કુંભકરણ અને મેઘનાદના પૂતળા બાળવામાં આવે છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
રામલીલા મેદાન - દેશની રાજધાની દિલ્હીમાં પણ દશેરા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દશેરાના દિવસે, જૂની દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણ, કુંભકરણ અને મેઘનાથના પૂતળા એકસાથે બાળવામાં આવે છે. દિલ્હીના રામલીલા મેદાનમાં દશેરાના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે, જેને માણવા લોકો દૂર-દૂરથી આવે છે.
કુલ્લુ - હિમાચલ પ્રદેશના કુલ્લુનો દશેરા દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. 1660માં કુલ્લુમાં પ્રથમ વખત દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. તે સમયે રાજા જગતસિંહનું શાસન હતું. રક્તપિત્તમાંથી રાહત મળવાને કારણે તેમણે દશેરા ઉજવવાની જાહેરાત કરી હતી.
એવું કહેવાય છે કે, આ ઉત્સવમાં 365 દેવી-દેવતાઓએ ભાગ લીધો હતો. અહીં દશેરાની શરૂઆત ભગવાન રઘુનાથની ભવ્ય રથયાત્રા સાથે થાય છે. આ સમયગાળા દરમિયાન દેવી-દેવતાઓના રથ પણ યાત્રાની સાથે ફરે છે.
આ સાથે એવું પણ કહેવાય છે કે, કુલ્લુ દેવી-દેવતાઓ પણ એકબીજાને મળવા આવે છે. અહીં દશેરાને દેવ મિલન તરીકે પણ ઉજવવામાં આવે છે. કુલ્લુમાં દશેરા જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવે છે.












Click it and Unblock the Notifications
