
હનીમૂન પ્લાન કરતા પહેલા એક વખત નજર કરો અહીં..
લગ્ન સિઝન થોડા સમયમાં શરૂ થવાની છે, ત્યારે જે વ્યક્તિના લગ્ન થવાના હોય છે તેને લગ્નની સાથે બીજી પણ એક ચિંતા હોય છે. એ ચિંતા છે હનીમૂનની. હનીમૂન માટે ક્યા સ્થળની પસંદગી કરવી? જ્યાં રહેવાની અને ફરવાની મજા આવે. વ્યક્તિના જીવનમાં લગ્નમાં જેમ એકવાર થાય છે, એ જ પ્રમાણે લગ્ન બાદ પહેલી વખત સાથે સમય પસાર કરવાની ક્ષણને બંને વ્યક્તિ યાદગાર બનાવા માંગે છે. હનીમૂન માટેના સ્થળો આપણા ભારતમાં ઢગલા બંધ છે. પરંતુ ભારતની કઈ દિશામાં ફરવા જવું એ પ્રશ્ન તો છેલ્લે સુધી રહે છે. આજે અમે તમારા આ જ પ્રશ્નોના ઉત્તર લઇને આવ્યા છીએ. આજે અમે તમને દક્ષિણ ભારતના કેટલાક એવા સ્થળોની જાણકારી આપીશું કે જ્યાં તમે તમારા જીવનસાથી સાથેનો યાદગાર પ્રવાસ માણી શકો.

પહાડોની રાણી ઉટી
ઊંચા ઊંચા પહાડો અને ઠંડા પવનોની વચ્ચે તમે ફરવાનું પસંદ કરો છો? વાદળોની વચ્ચે તમારા જીવનસાથી સાથે ફરવાનો આનંદ માણવાનો વિચાર કરતા જ તમે રોમેટિંક થઈ જાવ છો? તો પહાડોની રાણી કહેવાતી ઉટી તમારી રાહ જુએ છે. અહીં સ્વચ્છ અને સુંદર વાતાવરણની વચ્ચે તમે યાદગાર પળ વિતાવી શકો છો. ઉટીમાં તમે બગીચા, તળાવ, વેડલોક ડાઉન, મુકુર્થી અને દોબાબેત્તા જેવા સ્થળો ફરી શકો છો.

કેરળનું હાઉસ બોટ
ઘરથી દૂર પરંતુ પ્રકૃતિના ઘરમાં સાથે રહેવાનું હોય તો કેવી મજા આવે? એવો જ અનુભવ કેરળના હાઉસ બોટમાં થાય છે. આ બોટમાં રહેવાનો અને તેમાં બેસીને કેરળની સુંદરતાને જોવાનો આનંદ કંઈ અલગ જ હોય છે. અહીં તમે તમારા બજેટ અનુસાર હાઉસબોટની પસંદગી કરી શકો છો. કુમારાકોમ અને અલેપ્પી હાઉસબોટ માટે જાણીતું છે.

કોડાઇકેનાલ એટલે સપનાની દુનિયા
શાંત અને એકાંતનુ સ્થળ કોડાઇકેનાલ. હનીમૂન માટેનુ એકદમ યોગ્ય સ્થળ. અહીં તમને ચારે તરફ હરિયાળી અને પહાડો જ જોવા મળશે. ઊંચા પહાડોની વચ્ચે આવલું તળાવ અને એકાંતથી ભરેલી આ જગ્યામાં તમે તમારા જીવનસાથી સાથે એકાંતનો આનંદ માણી શકો છો. આવી સુંદર જગ્યાની યાદને તમે વારંવાર વાગોળશો. અહીં તમે બીયર શોલા ફોલ્સ, કોકર્સ વોક, બાયરંટ પાર્ક આને પીલર રોક્સ જેવી જગ્યાઓ ફરવાનુ ભૂલતા નહીં. આ તમામ સ્થળો તમારી યાદો અને પ્રેમભરી ક્ષણોમાં વધારો કરશે.

લક્ષ્યદ્વિપ ટાપુ
કેરળથી માત્ર 250 કિ.મી.ના અંતરે આવેલું સ્થળ લક્ષ્યદ્વિપ દરિયા કિનારે આવેલું હનીમૂન માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. આ સ્થળ પર પહોંચવા માટે તમારા ભારતના વિઝા કામ આવે છે. આ સ્થળ પર તમે સમુદ્રને માત્ર બહારથી નહીં, પરંતુ અંદરથી પણ જોઇ શકો છો. કાવારત્તી, અગત્તી અને કલ્પેની જેવી સુંદર જગ્યાઓ પર તમે ફરી શકો છો. તમને ઈચ્છો તો આ સ્થળ પર તમે કેટલીક એડવેન્ચર ગેમમાં પણ ભાગ લઈ શકો છો.

મુન્નારના હરિયાળા પહાડો
પહાડોની વચ્ચે આવેલા રસ્તાઓ અને તેની સુંદરતા તમારા આ નવા જીવનમાં અનેરા રંગો ઉમેરે છે. આ સ્થળે તમને સારી રહેવાની જગ્યા અને ફરવાના સ્થળો મળી રહેશે. આ સ્થળો પર તેને પલ્લીવાસલ ઝરણું જોવુ ખુબ જ ગમશે. આ ઝરણાંની પાસે તમે સારા એવા ફોટોગ્રાફસ પાડીને આ યાદનો સંગ્રહ કરી શકશો. તે ઉપરાંત રાજમાલા, ઇકો પોઈન્ટ, પોતનમેડ અને મીનૂલીમાં ફરવાની મજા માણી શકો છો અને અહીંથી જતા પહેલાં અહીંના સુંદર પહાડો પર ટ્રેકિંગ કરવાનું ભૂલતા નહીં.

કુર્ગ: યુગલો માટેનું સ્વર્ગ
એકાંત અને સૌંદર્યથી ભરપુર આ સ્થળ અહીં આવતા યુગલોનું મન મોહી લે છે. દુર દુર સુધી પહાડો અને આસપાસ રહેલું લીલુછમ વાતાવરણ યુગલોને રોમાંચિત કરે છે. મોજની સાથે થોડી મસ્તી કરતા આ સ્થળ પર તમને તમારા જીવનસાથીને વધુ સારી રીતે જાણવાને સમય મળી રહે છે. આ સિવાય તમે અહીંના ઘણા સ્થળો જોવાનો આનંદ લઈ શકો છો, જેમાં એબ્બે ઝરણું ખાસ જોજો. આ ઉપરાંત તમે ઈરૂ પ્પી ઝરણુ અને હોન્નામાના કેરે જેવી જગ્યાઓ પણ ફરી શકો છો.