
BOB, દેના બેંક અને વિજયા બેંકના મર્જરને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી
નવી દિલ્હીઃ બેડ લોન અને નુકસાનનો માર સહન કરી રહેલ બેંકોના મર્જરનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. કેન્દ્રીય કેબિનેટે વિજયા બેંક, દેના બેંક અને બેંક ઑફ બરોડાના મર્જરને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ હવે પેપરવર્ક થશે, જે બાદ ત્રણ બેંકોનું મર્જર કરી દેવામાં આવશે. એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બાદ આ દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની જશે. અગાઉ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં 6 બેંકોના મર્જરને મંજૂરી આપી દીધી હતી. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2018માં વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઑફ બરોડા સાથે મર્જરની ઘોષણા કરી હતી. જાણકારી મુજબ મોદી સરકાર બેંક ઑફ બરોડા, આઈડીબીઆઈ, ઓરિયેન્ટલ બેંક ઑફ કોમર્સ અને સેન્ટ્રલ બેંકના મર્જર પર વિચાર કરી રહી હતી, પરંતુ આજે ત્રણ બેંકોના મર્જર પર અંતિમ સહમતિ બની ગઈ છે.
મર્જરને મળી મંજૂરી
કેબિનેટની મંજૂરી મળતાની સાથે જ બેંક ઑફ બરોડાએ બુધવારે વિજયા બેંક અને દેના બેંકનું ખુદની સાથે મર્જર માટે શેર્સની અદલા-બદલી ગુણોત્તરને અંતિમ રૂપ આપી દીધું છે. જે મુજબ વિજયા બેંકના શેરધારકોના પ્રત્યેક 1000 શેરને બદલે બેંક ઑફ બરોડાના 402 ઈક્વિટી શેર મળશે. જ્યારે દેના બેકના શેરધારકોને પ્રતિ 1000 શેરના બદલામાં બેંક ઑફ બરોડાના 110 શેર મળશે.
SBIમાં 6 બેંકોનું મર્જર
ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્ર સરકરે એસબીઆઈની પાંચ સહાયક બેંક અને ભારતીય મહિલા બેંકને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં મર્જર કરી ચૂકી છે. સરકાર સરકારી બેંકોને સતત વધતા એનપીએને ઘટાડવા માટે સરકાર બેંકોના એકીકરણની કોશિશમાં લાગી છે. હાલના સમયમાં દેશની બેંકિંગ વ્યવસ્થાનો કુલ એનપીએ 10 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ચૂક્યો છે, જેને ઓછો કરવાની કેન્દ્ર સરકાર કોશિશ કરી રહી છે.
આ પણ વાંચો- જેટલીએ ખુદ જણાવ્યું વિમાનની કિંમત 1600 કરોડ રૂપિયા છેઃ રાહુલ ગાંધી