નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: કેન્દ્રની ગઠબંધન સરકારે પોતાનું છેલ્લું બજેટ રજૂ કરી દીધું છે. ચૂંટણી વર્ષ હોવાના કારણે સ્વાભાવિક છે કે સરકારે જનતાને આકર્ષિત કરવામાં કોઇ તક નથી છોડી. નાણામંત્રી પી. ચિદમ્બરમે સરકારી બજેટમાં ઘણી મહત્વની જાહેરાત કરીને દેશની વસ્તીના મોટા ભાગને ફાયદો પહોંચાડવાની કોશિશ કરી છે.
આ બજેટમાં જો ઇંધણ પર સબસિડી, સેના માટે વન રેન્ક વન પેન્શન યોજનાને મંજૂરી, કૃષિ લોનમાં વધારો, એજ્યુકેશનમાં લોનમાં રાહત, ખાતર પર વધારવામાં આવેલ સબસિડીને જોવામાં આવે તો દેશની લગભગ 80 કરોડ વસ્તીને સીધી રીતે ફાયદો પહોંચાડવાની કોશીશ કરવામાં આવી છે.
સરકારે સેનામાં 'વન રેન્ક વન પેન્શન' યોજનાને લાગુ કરવાની જાહેરાત કરતા રક્ષા ફાળવણીમાં 10 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ યોજના અંતર્ગત સરકારે સેનામાં અલગ-અલગ રેન્કથી રિટાયર થયેલા લોકોના પેન્શનમાં અંતરને ખત્મ કરવાની જાહેરાત કરી દીધી છે.
કેન્દ્ર સરકારની આ જાહેરાતથી દેશના લગભગ 25 લાખ લોકો પર સીધી અસર પડશે. આ લાભકારી લોકોમાં સેનાથી રિટાયર ઓફિસરનો સમાવેશ થશે. જોકે સરકારે ચૂંટણી વર્ષ હોવાનો ફાયદો ઉઠાવવાની કોશીશ કરી છે. સરકારની કોશિશ રક્ષા સેવાઓથી જોડાયેલા લોકોની માંગ માનીને તેમને અને તેમના પરિવારને પોતાના તરફી કરવાની છે.બજેટ રજૂ થવાની સાથે જ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ આ નિર્ણયમાં પોતાના યોગદાનનું જશ પણ લઇ લીધો. જોકે રાહુલ ગાંધીએ હાલમાં જ એવી માંગ કરી હતી કે સેનાના રિટાયર અધિકારીઓને એક વર્તૂળમાં લાવવામાં આવે, ત્યારબાદ કેબિનેટે તેને મંજૂરી આપી હતી.