પગે લાગવાથી લઇને કૂલ સ્લેફી સુધી, યંગસ્ટરની અટપટી Diwali
રોશનીથી ઝગમગતો તહેવાર એટલે દિવાળી. આ તહેવાર કેમ ઉજવાય છે, આની પાછળનું ધાર્મિક મહત્વ શું છે એ સૌને ખબર છે. પરંતુ આજના યંગસ્ટર્સ માટે દિવાળી એટલે શું એ ખબર છે? યંગસ્ટર્સ માટે દિવાળીનો અર્થ જરા અલગ છે. આજની આધુનિક દિવાળીમાં સૌને પોત-પોતાના પ્રશ્નો હોય છે. બાળકોને દિવાળી વેકેશનમાં હોમવર્કનું ટેન્શન, મમ્મીને ઘરની સાફ-સફાઇનું અને પપ્પાને દિવાળીના શોપિંગ બિલનું ટેન્શન. આ મમ્મી, પપ્પા અને નાના કે મોટા ભાઇ-બહેન, બધાના પ્રશ્નોનો સરવાળો એટલે યંગસ્ટર્સની ખરી દિવાળી. કઇ રીતે? આવો જાણીએ...

મમ્મી-પપ્પાની રકઝક
યંગસ્ટર્સની દિવાળી શરૂ થાય છે પેરેન્ટ્સની રકઝકથી. દિવાળીમાં મમ્મી અને પપ્પા બંને ઇચ્છે છે કે, ઘરનું યુવાન થતું બાળક કે મમ્મી-પપ્પાની દ્રષ્ટિએ બાળક રહી ગયેલ યુવાન (એટલે કે યંગસ્ટર્સ) હવે પોતાની જવાબદારી સમજે અને ઘરની સાફ-સફાઇ અને સજાવટમાં મદદ કરે. યુવતીઓ માટે આ સમય ચોક્કસ ચેલેન્જિંગ છે. તેની કામ કરવાની કેપેસિટીથી માંડીને, ડેકોરેશન અને રંગોળીની ડિઝાઇનની સૂઝબૂઝ સુધી દરેક વાતનું મૂલ્યાંકન થાય છે. સાથે શોપિંગનું ટેન્શન તો ખરું જ. પપ્પા પાસે ન્યૂ યર અને દિવાળી માટે મનગમતો ડ્રેસ કઢાવવા માટે પણ તેણે ઘરના કામમાં જોતરાવું પડે છે. બીજી બાજુ, હંમેશા મમ્મી પર હુકમ ચલાવતા યુવકે આ દરમિયાન મમ્મીના હુકમનું પાલન કરી માળિયાની ધૂળ સાફ કરવાથી માંડીને મિઠાઇની દુકાને ધક્કા ખાવા સુધીના દરેક કામો કરવા પડે છે.

દિવાળીની કમાણી
અનેક મહેનત અને ક્યારેક રિસામણા-મનામણા પછી સામે આવીને ઊભો રહે છે દિવાળીનો તહેવાર. મોટાભાગે તહેવાર પૂરો થાય ત્યારે માણસ થોડો નિરાશ થાય, પરંતુ દિવાળી પૂરી થાય અને બેસતું વર્ષ આવે એની તો યંગસ્ટર્સ રાહ જોતાં હોય છે. દિવાળી એટલે એમના માટે તો કમાણીનો તહેવાર પણ કહી શકાય. ઘરમાં કરેલી તમામ મહેનત રંગ લાવે બેસતા વર્ષે. જો કે, બેસતા વર્ષે પણ કમાણી કરવા માટે તેમણે કમરતોડ મહેનત કરવી પડે છે. આખું વર્ષ જે સગા-સંબંધીને ત્યાં જવાનું ટાળ્યું હોય ત્યાં પણ યંગસ્ટર્સ હોંશે હોંશે આશીર્વાદ લેવા પહોંચે છે. કયા કાકા ખુશ થઇને 500ની નોટ આપશે અને કયા કાકા અડધો કલાકના પ્રવચન પછી આશીર્વાદ સાથે માત્ર 10 રૂ. આપશે એ એલોકોને ખબર હોય છે. પરંતુ મનગમતો મોબાઇલ કે જીન્સ લેવાની લાલચે યંગસ્ટર્સ આ કઠોર તપસ્યા પણ કરે છે.

ડીજિટલ દિવાળી
મોબાઇલ આવ્યા પછી દૂરનાં સગાને ફોન કરીને તહેવારની શુભકામનાઓ આપવાનો રિવાજ ગયો અને એનું સ્થાન એસએમએસ એ લીધું. એ પછી હવે એ સ્થાન વોટ્સએપનું છે. દિવાળીની પૂજાની જેમ જ વોટ્સએપથી દૂરના સગા-સંબંધી કે મિત્રોને મેસેજ મોકલવા માટે ખાસ ટાઇમ ફાળવવામાં આવે છે. યંગસ્ટર્સના માથે પોતાના મિત્રોને રાત્રે 12ના ટકોરે વિશ કરવાની જવાબદારી તો હોય, ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને સૌથી પહેલાં અને સ્પેશિયલ મેસેજ સાથે વિશ કરવાની જવાબદારી પણ હોય, એમાં વળી બેસતા વર્ષને દિવસે પપ્પા-મમ્મી વતી મેસેજના રિપ્લાય કરવાની કે તેમને મેસજ કરતા શીખવવાની જવાબદારી ઉમેરાય છે, તે પણ તેમને ગુસ્સે કર્યા વગર!

કેવી રીતે મળીશ?
દિવાળીની રજાઓ ચાલુ થાય ત્યારથી કમિટેડ યંગસ્ટર્સ સામે સૌથી મોટી સમસ્યા આવે છે, ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને મળવું કઇ રીતે? એક જ શહેરમાં રહેતા અને ભણતા યંગસ્ટર્સ માટે આ તહેવારના દિવસોની સૌથી મોટી સમસ્યા છે. દિવાળી તો ફેમિલી સાથે માણવાનો તહેવાર, એટલે ફ્રેન્ડને મળવાનું બહાનું કાઢીને પણ બહાર ન જવાય. કંઇક બહાનું કાઢીને બહાર નીકળ્યા તો કોઇ જોઇ ન લે એનું ટેન્શન. પેરેન્ટ્સના હુકમ અને ઘરના કામો વચ્ચે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને જો લાગ્યું કે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે, તો આવી જ બન્યું. દિવાળીમાં દૂર-દૂરના સગા-સંબંધીઓ સાથે કેચ અપ કરવાની સાથે તેમને પોતાનું બ્રેકઅપ ન થઇ જાય એનું પણ ટેન્શન હોય છે.

દિવાળી સેલ્ફી
આજના યંગસ્ટર્સનો પહેલો પ્રેમ એટલે સેલ્ફી. આટલા ટેન્શન વચ્ચે પણ તેઓ પોતાના તહેવારને યાદગાર બનાવવાનું ચૂકતા નથી. ઘરની સાફ-સફાઇથી માંડીને વાક્બારસની રંગોળી, ધનતેરસની પૂજા, દિવાળીના ફટાકડા, નવા વર્ષની મિઠાઇ અને નવા કપડાં સુધી દરેક વસ્તુનો એક ફોટો તો બોસ હોવો જ જોઇએ. એટલે આમાં તો જેને ફોટા પાડતાં સારું આવડતું હોય એની ખરી દિવાળી. પ્રોફાઇલ પિક્ચર, ડીપી, સ્ટોરીઝ વેગેરે માટે સારો એવો સ્ટોક જેની પાસે ભેગો થાય એ યંગસ્ટરની દિવાળી હિટ.