• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી માટે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 PM પદ તરફનું ચોથું પગથિયું?

|
narendra-modi
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી નહીં લડે અને લડશે તો વિધાનસભા મતવિસ્તાર બદલીને ચૂંટણી લડશે એવી તેમના વિશેની અટકળોનો ભાજપે ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા તે સાથે જ અંત લાવી દીધો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સીમાંકનના જોખમ સામે નવા પ્રયોગો કરવાનું ટાળીને પોતાની જૂની બેઠક મણિનગર પરથી જ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આ વખતની ચૂંટણી નરેન્દ્ર મોદી માટે અત્યંત મહત્વની છે. કારણ એ છે કે આ પગલું વડાપ્રધાન પદના દાવેદાર બનવાની દિશામાં ચોથું પગલું સાબિત થશે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધીના તેમના કાર્યો જોઇએ, તેમની વ્યૂહરચના સમજીએ તો સ્પષ્ટ દેખાય છે કે નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2014ને ટાર્ગેટમાં રાખીને ભારતના વડાપ્રધાન પદ સુધી પહોંચવાની કેડી કંડારી રહ્યા છે. આ માટે તેઓ પોતાના માર્ગમાં આવતા વિવિધ પ્રકારના અવરોધોને દૂર કરી રહ્યા છે.

હવે માત્ર ગુજરાતમાં નહીં પણ દેશમાં અને વિદેશમાં પોતાના વિશે ચર્ચા ઉભી કરીને પોતાની ઓળખ લોકો સમક્ષ મૂકવામાં તેઓ ખૂબ સારી રીતે સફળ રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ચોથા પગલાં સુધી પહોંચતા પહેલા તેમણે કયા ત્રણ પગલાં, કેવી રીતે ભર્યા તે જોઇએ.

પ્રથમ પગલું - વિશ્વભરમાં નોંધ લેવડાવવી :

નરેન્દ્ર મોદી 1987માં ભાજપમાં જોડાયા હતા. ત્યારથી 2001 સુધીમાં તેઓ પક્ષમાં આગળ વધ્યા પણ તેમને પક્ષની બહાર સામાન્ય નાગરિકોમાં કોઇ ખાસ ઓળખતું ન હતું. ગુજરાતમાં ભૂકંપની આફત આવ્યા બાદ કેશુભાઇ પટેલના સ્થાને મુખ્યમંત્રીનું પદ નરેન્દ્ર મોદીએ લીધું. રાજકીય કારકિર્દીનો પાયો મજબૂત બને તે માટે જરૂરી હતું કે લોકો તેમને ઓળખતા થાય, તેમનું નામ ચર્ચાતું બને અને હિન્દુત્વવાદી નેતાની છબી પ્રબળસ્વરૂપે બહાર આવે. વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોને કારણે તેમનું નામ દેશની સાથે વિદેશોમાં ચર્ચાતું બન્યું. નરેન્દ્ર મોદીની નેગેટિવ પબ્લિસિટી થઇ. આ રીતે વિશ્વભરમાં રાજકીય આગેવાન તરીકે નોંધ લેવડાવવાનું પગલું તેમણે પાર પાડ્યું.

બીજું પગલું - શક્તિ પ્રદર્શન

નરેન્દ્ર મોદી માટે ધાર્યાં કરતાં બાજી ઉંધી પડી હોય તેવી સ્થિતિ ગુજરાત રમખાણ 2002ના કારણે ઉભી થઇ હતી. અતિશય નેગેટિવ પબ્લિસિટીને કારણે લોકો તેમના ધુત્કારે છે તેવું વલણ વિપક્ષ કોંગ્રેસે ઉભું કર્યું હતું. જો કે ગુજરાતમાં લોકો સાંપ્રદાયિક કોંગ્રેસ કરતા હિન્દુત્વવાદી ભાજપને વધારે પસંદ કરે છે તે સાબિત કરવું જરૂરી હતું. હિન્દુત્વવાદી નેતા તરીકે હિન્દત્વના રક્ષણ માટે તેઓ સદાય હાજર છે તેવા મુદ્દે તેમણે વર્ષ 2002ની ચૂંટણી લડી. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2002માં 127 જેટલી જંગી બહુમતી મેળવી તેમણે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું અને બીજું પગલું પાર પાડ્યું હતું.

ત્રીજું પગલું - વિકાસ કરવાની ક્ષમતા દર્શાવવી

મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની છબી વધારે મજબૂત બનતી જઇ રહી હતી. પોતાના પર લાગેલા કોમી રમખાણોના કલંકને ભૂંસવા માટે અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચવા પોતાનું કદ વધારવા માટે નરેન્દ્ર મોદીએ રાજકારણમાં સદાબહાર ગણાતો વિકાસનો મુદ્દો ઝડપી લીધો. હિન્દુત્વવાદી છબી અને લોકોનું સમર્થન લાંબા ગાળી સુધી સાથ આપી ના શકે. લોકોના લાંબા ગાળાના સાથ માટે વાસ્તવિક સ્તરે નક્કર કામ કરી બતાવવું જરૂરી હતું જેના દ્વારા રાષ્ટ્રીય સ્તરે તેમની સકારાત્મક નામના વધે.

આ માટે નરેન્દ્ર મોદીએ પોતાને વિકાસ પુરુષ તરીકે રજૂ કરવાની વ્યૂહરચના ઘડી. તેમણે ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમિટ, વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ, કાઇટ ફેસ્ટિવલ, કૃષિ મહોત્સવ સહિતના એક પછી એક ઉત્સવો ઉજવવાના શરૂ કર્યાં. આમ તેમણે કટ્ટર હિન્દુત્વવાદી નેતાની છબી અને પોતાના ઉપર લાગેલા કલંકના ડાધને એક પછી એક પડ નીચે છૂપાવી દેવાનો પ્રયાસ કર્યો અને તેમાં સફળતા પણ મળી.

આજે નરેન્દ્ર મોદીએ વિકાસ અને ઔદ્યોગિક રોકાણની દ્રષ્ટિએ ગુજરાતને દેશની અગ્રણી રાજ્યોની હરોળમાં લાવી દીધું છે. તેમણે ગુજરાતના વિકાસના મોડેલનો ભરપુર પ્રચાર કરી ગુજરાતનો વિકાસ, દેશનો વિકાસનું સ્લોગન આપ્યું છે. આમ કરીને નરેન્દ્ર મોદી સ્પષ્ટ દર્શાવવા માંગે છે કે તેઓ દેશને પણ ગુજરાત જેવા ઝડપી વિકાસની રાહ પર આગળ લઇ જઇ શકે છે.

નરેન્દ્ર મોદીએ દૂરંદેશી, સૂઝબૂઝવાળા નેતા તરીકે પોતાની ઇમેજ તૈયાર કરી. વિવિધ દેશોના ડેલિગેશનને આમંત્રણ આપી તથા વિદેશ મુલાકાતો યોજીને રાષ્ટ્રીય સ્તરના નેતાના વિદેશી નેતાઓ સાથે જે પ્રકારના સંબંધો હોય તે દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. આ દ્વારા તેમણે દેશનો વિકાસ કરવા પોતે સક્ષમ હોવાનું સાબિત કરતું પગલું પાર પાડ્યું.

ચોથું પગલું - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012થી લોક સમર્થન :

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ચાણક્ય બુધ્ધિથી ગુજરાતના લોકોનું સમર્થન મેળવી લીધું છે. આ પ્રક્રિયા અને સમયગાળા દરમિયાન તેમણે દેશના તમામ રાજ્યના લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. ગુજરાત બહારના રાજ્યોના લોકો સ્પષ્ટપણે માનવા લાગ્યા છે કે નરેન્દ્ર મોદી સારો વિકાસ કરી શકે છે આથી જ અવારનવાર તેમને ગુજરાતના લોકોનું સમર્થન મળી રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરે મોદીને સમર્થન મળે તે માટે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની ભૂમિકા મહત્વની બની રહેશે. આ ચૂંટણીમાં ગુજરાતનું સમર્થન મેળવી પોતે રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધવા સમર્થ હોવાનું સાબિત કરી વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી વધારે મજબૂત કરી રહ્યા છે. આ પગલું પાર પાડ્યા બાદ તેઓ રાષ્ટ્રીય સ્તરે રાજકીય સમર્થન મેળવવાનું પાંચમુમ પગલું ભરશે.

પગલું પાંચ - રાષ્ટ્રીય સ્તરે રાજકીય સમર્થન :

હાલના તબક્કે નરેન્દ્ર મોદી માટે પાંચમુ પગલું ભરવું મુશ્કેલ છે. કારણે કે આ માટે તેમને રાષ્ટ્રીય સ્તરે પક્ષમાંથી તો વિરોધનો સામનો કરવો જ પડશે, સાથે રાષ્ટ્રીય સ્તરના અન્ય નેતાઓ સાથે સ્પર્ધાનો પણ સામનો કરવો પડશે. લોઢાના ચણા ચાવવા જેવી પીએમ પદ સુધીની યાત્રા મોદીને વધારે સશક્ત બનાવશે કે તેમણે પાછીપાની કરવી પડશે તે આવનારો સમય બતાવશે. આથી જ નરેન્દ્ર મોદી એકમત ગુજરાતની વાત કરી રહ્યા છે.

English summary
Gujarat assembly election 2012 would be Modi's forth step towards PM post?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more